સુન્દરમ્-સુધા : બુંદ-૦૮ : ભવ્ય સતાર – સુન્દરમ્
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
– સુન્દરમ્
કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…
ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…
(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)
pragnaju said,
March 29, 2008 @ 9:11 AM
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
. અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo
આમાં વાંચવા,ગાવાથી જ ચાલે તેમ નથી
નૃત્ય પણ કરતા જાવ-લય થઈ જાવ
પછી તે પૂછશે -‘તારી રજા શું છે?’
ઊર્મિ said,
March 29, 2008 @ 10:41 PM
ખૂબ જ સુંદર ભક્તિગીત…!!
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
આ પંક્તિઓ તો ખૂબ જ ગમી…
આવા અભિયાનો ફરી ફરીને લાવતા રહેજો મિત્રો…!
Mukund Desai said,
March 30, 2008 @ 4:08 PM
સુન્દ્ર્મ્ના કવ્યોનૅ તે કઇ કહેવુ પ્ડે? મારે તેઓ પોન્દઈચ્હેરીંં ંંમા હતા ત્યારથિ જ પત્ર્વ્યહરથિ સમ્બ્ન્ધ હ્તો. સરળ હતા મ્રુદુ હ્તા સોજ્ન્ય્ સિલ હતા
પંચમ શુક્લ said,
March 31, 2008 @ 8:28 AM
સુંદરમસુધાનાં આઠેય બુંદ મનભરીને માણ્યા.
vihang vyas said,
March 23, 2010 @ 3:24 AM
સુંદરમ સુધામાં તરબોળ થઈ જવાયું. આભાર.