ધન્ય ભાગ્ય – ઉશનસ્
બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !
-ઉશનસ્
કૃષ્ણ-ગોપીની મટકીલીલા લગભગ બધી ભાષાના કવિઓએ અવારનવાર ગઈ છે અને તોય તે એવી ને એવી તાજી જ લાગે છે. કનૈયો મટકી ફોડીને ગોરસ લૂંટી લે એ ન ગમતું હોય, એની ફરિયાદ કરતી હોય એવી ગોપીના માધ્યમથી કવિઓએ કૃષ્ણના ગુણગાન ગાયા છે.
ફરિયાદી ગોપીને અન્ય ગોપી કૃષ્ણ મહિમા સમજાવતાં કહે છે કે આ તો તારાં સદભાગ્ય છે કે જે સદા અમૃત ખાનાર છે એ કાનજી તારી કને ગોરસ માંગી રહ્યો છે. ઊંચે આભમાં રમનાર ખેલાડી આજે તારા આંગણે પોતાનો ઈશ્વરીય વેશ ત્યજીને રમવા ઊતરી આવ્યો છે. ઈ આપણો ધણી બની બેસે તોય આપણે કશું કહી-કરી શકનાર નથી પણ આ ચૌદ ભુવનનો સ્વામી યાચક બનીને આવ્યો છે.
જેની મટકી કાનજી ફોડતો નથી એ આખી રાત ગોરસ પી પી કરે તોય ખૂટવાનું નથી. અંતે ઢોળી દેવું પડે છે. વળી કાનજી એક બુંદ પણ પીએ એનો જ તો ખરો મહિમા છે. એ એક મુઠ્ઠી તાંદુલ સામે મહેલોની ભેટ ધરે છે અને એક વસ્ત્રના ચીરા સામે હજાર વસ્ત્રો પૂરે છે.
જેની ગાગર ફૂટે એનો જ ભવ ફેડાઈ જાય છે. કાનજી જેવો લૂંટારો આવે ત્યારે કશું બચાવવા જવું એ જ મૂર્ખતા છે કેમકે આ લૂંટમાં તો જે બચી જાય છે એ વ્યર્થ છે અને જે લૂંટાઈ જાય છે એ જ સાર્થક છે…
વાત ગોકુળની ગોપીની નથી, આપણા અંતર અને અંદરની ગોપીની જ છે…
vihang vyas said,
April 21, 2012 @ 3:06 AM
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! Adbhut !
Rina said,
April 21, 2012 @ 3:55 AM
beautiful…..
pragnaju said,
April 21, 2012 @ 5:11 AM
મહાન કવિનું ભાવવાહી ભક્તિપદ
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.
અ દ ભૂ ત
Sudhir Patel said,
April 21, 2012 @ 9:32 AM
ખૂબ સુંદર અને સરળ છતાં ગહન ગોપી-ગીત!
સુધીર પટેલ.
manilalmaroo said,
April 21, 2012 @ 11:47 AM
બહુજ સુન્દર અને ગહ્હન ઉસનસ સાહેબ નિ બદ્દ્ધિ રચ્ના ઓ મન ને સાન્તિ આપ્ નારિ ચે. manilal.m.maroo marooastro@gmail.com
Dhruti Modi said,
April 22, 2012 @ 8:26 PM
સાચે જ મારે પણ કહેવું પડશે ઃ અદ્ભૂત……..
મદહોશ said,
April 23, 2012 @ 10:46 AM
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ ! – વાહ