ના કંઈ નવું નથી અહીં, છે એના એ બનાવો,
ઇચ્છાના વૃક્ષ કાપો, ઇચ્છાના વૃક્ષ વાવો.
– દિલીપ રાવલ

હળવે હળવે હળવે હરજી – નરસિંહ મહેતા

હળવે   હળવે   હળવે  હરજી  મારે   મંદિર   આવ્યા  રે;
મોટે    મોટે    મોટે    મેં    તો    મોતીડે    વધાવ્યા    રે.     ૧

કીધું    કીધું    કીધું    મુને    કાંઇક    કામણ    કીધું    રે;
લીધું    લીધું    લીધું    મારું    મન    હરીને    લીધું   રે.      ૨

ભૂલી   ભૂલી   ભૂલી   હું   તો   ઘરનો   ધંધો   ભૂલી   રે;
ફૂલી   ફૂલી   ફૂલી   હું   તો    હરિમુખ    જોઇ    ફૂલી   રે.      ૩

ભાગી   ભાગી   ભાગી  મારા  ભવની ભાવટ ભાગી રે;
જાગી  જાગી   જાગી   હું   તો   હરિને   સંગે   જાગી  રે.      ૪

પામી  પામી  પામી  હું  તો   પૂરણ   વરને   પામી  રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.       ૫

– નરસિંહ મહેતા

નરસિંહ મહેતાનું આ અતિ જાણીતું ભક્તિપદ એના સશક્ત લય અને લહેકાને લીધે સહજ આસ્વાદ્ય બની રહે છે. દરેક કડીમાં એક જ શબ્દના ત્રણ-ત્રણવાર કરાતા આવર્તનને વળી કડીના અંતે એજ શબ્દ સાથે સાંકળી લેવાતા મધુરો સૂર જન્મે છે. દરેક શબ્દનું આ ત્રણવારનું પુનરાવર્તન ત્રણ લોકના સ્વામીને સમાવી લેવાનો આડકતરો ઈશારો તો નથીને? વળી મંદિર શાનું? હરિ પધાર્યા એટલે જ આ જીવતરનું કાચું ઈંટ-માટીનું મકાન મંદિર બને છે ને !

5 Comments »

  1. B.B.POPAT said,

    January 29, 2009 @ 1:01 AM

    મારુ ખુબ જ ગમતુ ભજન મને મજા આવી ગઈ

  2. vishwadeep said,

    January 29, 2009 @ 9:00 AM

    સુંદર મનભાવક ભજન

  3. pragnajuvyas said,

    January 29, 2009 @ 9:02 AM

    આવા સર્વાંગ સુંદર ભક્તિપદો સ્વ પ્રયાસે લખાતા નથી પણ પરમનો અણસાર પામ્યા પછી સહજ રીતે લખાઈ જાય છે.તે ગાવાથી આપણામાં પણ ભાવ આવે છે…
    ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
    જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
    પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
    મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
    યાદ આવી
    તલસાટનો અંતિમ છે તબક્કો જાણે,
    જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે.
    ઈશ્કે હક્ક તરફની ગતી
    હું ધીરે ધીરે તારાથી તો છૂટી ગયો,
    હું ધીરે ધીરે મારાથી પણ છૂટી ગયો. અને
    જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
    મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!
    બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
    અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

  4. ધવલ said,

    January 29, 2009 @ 11:09 PM

    સહજ પદ… મેં તો પહેલી વાર વાંચ્યું 🙂

  5. Pinki said,

    January 30, 2009 @ 3:31 AM

    સાચી વાત છે પ્રજ્ઞા આંટીની……
    આ તો ઈશ્વરે ખુદ કલમ પકડી છે નરસિંહ મહેતાનાં હાથ થકી !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment