મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
– રઈશ મનીઆર

નાવિક વળતો બોલિયો – ભાલણ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.

આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?

હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ-પાય.

હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.

-ભાલણ.

ઈ.સ.ની 15 સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની ભાલણ ઘણીરીતે આપણા સાહિત્યમાં ધ્રુવસ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની ‘કાદંબરી’નો એમણે સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ભાલણ ‘આખ્યાનનો પિતા’ પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથા-વસ્તુ લઈને એણે સૌપ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ એ પ્રથમ કવિ. એમનું ‘નળાખ્યાન’ ખૂબ પ્રસિદ્ધ છે. એમના પદોમાં કૃષ્ણભક્તિ અને વિશેષતઃ રામભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્યભાવનું અદભૂત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શીલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનના ચરણ પખાળવાનો મોકો આડકતરી રીતે માંગી લેતા નાવિકની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે.

2 Comments »

  1. પંચમ શુક્લ said,

    July 13, 2007 @ 5:39 AM

    સુંદર ભક્તિપદ.

  2. amirali khimani said,

    August 9, 2011 @ 7:17 AM

    જુના ભત્કિપ્દો કેત્લા સરશ અને સચોત ચ્હે મન્ને બહુજ ગમેચ્હે ગુજ્રતિ સહિત્ય અત્ત્માને અનન્દ્
    વિભોર્કરિદેચ્હે. સબ્કો સન્મતિ દેવ ભગ્વાન મારા અભિનન્દન્.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment