મોં ફેરવીને તું મને તલભાર કરી દે,
યા આંખ મિલાવીને મુશળધાર કરી દે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હસમુખ કે રાવલ

હસમુખ કે રાવલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)