પછી છો લાખ મથો, જે ડૂબી ગયું એ ગયું,
મળે છે વાયકા પણ દ્વારકા નથી મળતી.
વિવેક મનહર ટેલર

શૈયા – ભગવતીકુમાર શર્મા

પ્હેલાં હતી નિકટતા મગફાડ જેવી;
આશ્લેષ બીચ નવ વાયુય શ્વાસ લેતો.
શૈયા તણા ઉભય રિક્ત રહંત છેડા;
મધ્યે અદ્વૈત અનુરાગથી બદ્ધ પૂર્ણ.

થોડી તિરાડ પડી કૂમળી પાનીઓથી;
બે છોડ બીચ મૃદુ ફૂલ ખીલ્યું સુનેરી;
વાયુલહેર વહી આવી તિરાડ વાટે;
નૈકટ્ય સ્નિગ્ધ શયનેય બળોતિયાથી.

પાની મૃદુ કઠણ થૈ પછી કાળસ્પર્શે;
ભાંખોડતી પગલી ઉંબર ગૈ વળોટી.
મધ્યે વસેલ અવકાશ ખસી ગયો ને
છેડા ફરી શયનના મળવા અધીર.

કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!

– ભગવતીકુમાર શર્મા

વચ્ચે હવા પણ પગપેસારો ન કરી શકે એવી મગફાડ જીવી ચસોચસ નિકટતામાં પથારીની વચ્ચે આલિઅંગનબદ્ધ રહેતા નવદંપતીની પથારીના બન્ને છેડાઓ કાયમ ખાલી જ રહેતા હતા. પણ બાળકનો પ્રવેશ થયો અને વચ્ચે એક તિરાડ પડી. બંને છોડ તોય સોનેરી ફૂલના ખીલવાથી ખુશ હતા. બાળક મોટું થઈને ઘરનો ઉંબરો વટાવી જઈ પોતાની દુનિયામાં સ્થિર થઈ ગયો. પથારીના બે અલગ થઈ ગયેલ છેડાઓને ફરી એક થવા માટે અવકાશ સાંપડ્યો પણ ચોરપગે આટલીવારમાં વૃદ્ધત્વ વચ્ચે ઘર કરી ગયું છે એ વાસ્તવિક્તા કવિ જે હળવાશથી રજૂ કરે છે એ અનુભૂતિને બળવત્તર બનાવે છે…

2 Comments »

  1. SARYU PARIKH said,

    February 28, 2019 @ 9:45 AM

    વાહ! જીવનના દરેક પડાવની સુંદર અભિવ્યક્તિ.
    મૌનનો ગુંજારવ……..સરયૂ પરીખ
    લાંબા સથવારાનો શાંત એ સંવાદ
    નીરવ, ના નાદ તોય સુણું એનો સાદ
    મંજુલ એ પ્રેમરાગ કેટલીયે રાત
    રસિલી લય રચના અનેક વિધ વાત
    કોઇ દિન લાગે અતિબોલ ને વિવાદ
    અબોલાની આડ હાર જીતની ફરિયાદ
    તીનતારા ગુંજનમાં ભળે નવા સૂર
    કલરવ ને કલબલમાં અટવાતા સૂર
    સંધ્યાની છાંયડી ને મીઠો મનરવ
    તારો ને મારો આ મૌનનો ગુંજારવ
    ——

  2. Jay Thakar said,

    February 28, 2019 @ 2:24 PM

    કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
    હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!…..

    સમેસમો બલવન હે, નહિ પુરુષ બલવન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment