કરોળિયો અને મોર : ૦૧: કરોળિયો – નિરંજન ભગત
નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.
– નિરંજન ભગત
‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…
સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.
પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.
આજે ‘કરોળિયો’ની વાત કરીએ:
કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!
Rinal said,
December 24, 2021 @ 2:00 AM
વાહ કવિ
કેટલું સુંદર વર્ણન
હવે મોરની ઈંતેજારી રહેશે
Nehal said,
December 24, 2021 @ 2:06 AM
વાહ, અનોખી રચના અને ખૂબ સુંદર આસ્વાદ.
DILIPKUMAR CHAVDA said,
December 24, 2021 @ 2:13 AM
વાહ
નકરું નાવીન્ય
Harihar Shukla said,
December 24, 2021 @ 2:48 PM
ક્લાસિકલ કરોળિયો અને કવિ👌
Harihar Shukla said,
December 24, 2021 @ 2:49 PM
મોર કેવી કળા કરશે એની ઉત્કંઠા!
pragnajuvyas said,
December 24, 2021 @ 8:38 PM
મા નિરંજન ભગતનુ સુંદર વર્ણનવાળુ સોનેટ
બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે.
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ
હર્ષદ દવે said,
December 24, 2021 @ 9:51 PM
વાહ…સરસ છંદોબદ્ધ કવિતા.