પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ !
વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ !

થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું !
અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું !

હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !
ભીંતે હોત ચણાયા ને અહી રહ્યાં લહરમાં ઝૂલી !

રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા સિન્ધુ !
જોયું તો ના નીર અહીં સથવારે નભ ને ઈન્દુ !

અમને લાગી ઠેસ અમે ના મળશું કોઈ મુકામે !
કોઈ લખો કાગળ તો લખજો ‘વહી ગયાં’ ને સરનામે !

– ભાનુપ્રસાદ પંડ્યા

Time-tested!

Comments (2)

(નથી ‘ચોર’ હું) – ભાનુપ્રસાદ પંડ્યા

વાનરની તોલે આવે એવાં તારાં અડપલાં
વાંસતણાં વનો સમાં અડાબીડ વધે છે.
તિરાડથી પ્રવેશતા વાયરાની જેમ છાનો
વ્રજનારી તણા ઘરે ચૂપચાપ સરે છે!
શીકાં પરે લટકતાં ગોરસ ઉતારી બધાં
આરોગે ઓછાં ને વધુ આમતેમ ઢોળે છે!
પરઘરે પૂછ્યા વિણ જતાં નહીં લાજ તને?
‘ચોર’ કહે લોક બધાં કુળ કેમ બોળે છે?

“ગયા ભવ થકી ગાઢ વાનરોનો સંગ, માડી!
સ્વભાવમાં થોડો ઘણો આવ્યા વિના રહે છે?
સંઘરો કરી દધિ વલખતું મટુકીમાં,
મોગરાના ફૂલ જેમ વિખેરવું ગમે છે!
પારકું-પરાયું ન લાગે, નથી ‘ચોર’ હું, મા!
બધું હોય મારું એવું કેમ મને ભાસે છે?”

– ભાનુપ્રસાદ પંડ્યા

ગુજરાતી કવિતાઓમાં કાવ્યવિનોદ જૂજ જ જોવા મળે છે. પ્રસ્તુત સૉનેટ એનું મજાનું ઉદાહરણ છે. યશોદા માતા અને બાળ કૃષ્ણ વચ્ચેનો સંવાદ અહીં છે. ઘરોમાં ચોરીછૂપી ઘૂસી જઈ શીકાં તોડી માખણ ખાઈ જતા કાનુડાની રાવ એટલી વધી ગઈ છે કે મા જશોદા એનો ઉધડો લેવા ધારે છે. પણ કૃષ્ણ તો ‘માથેથી પકડો તો ખાંડો ને પૂંઠેથી પકડો તો બાંડો’, એ કંઈ હાથ આવે? મા એને વાનર કહે છે તો બદલામાં એ એનો પૂર્વજન્મ યાદ કરતાં કહે છે કે રામાવતારમાં વાનરોનો બહુ સંગ કર્યો હતો એની અસર રહી ગઈ છે. ભગવદગીતામાં કૃષ્ણ કહે છે એ વાત યાદ આવે: ‘रामः शस्त्रभृतामहम्’ (અધ્યાય: ૧૦, શ્લોક: ૩૧) (શસ્ત્રધારીઓમાં રામ હું છું.) પોતાને ચોરકરાર આપતા આક્ષેપને રદીયો આપતાં એ કહે છે, કે આખી દુનિયા મારી જ છે. મને કંઈ પારકું-પરાયું લાગતું જ નથી…

Comments (1)

તૃણ સમ રૂપ તમામ – ભાનુપ્રસાદ પંડ્યા

(દોહરા) (લૌકિક દૃશ્ય)

કિરણ સમેટી સામટાં નિજ આથમણે કોર,
સૂરજ દેવ પધારતા સાંજ ઢળે ચોમેર.
રથ થંભાવી આંગણે છોડે ઘોડા સાત,
મુગટ ઉતારે મોજડી સતીને પાડે સાદ-
‘ઘરમાં કોઈ છે કે નહીં? શબ્દ નહીં સત્કાર?
અમ આવ્યા દન આથડી અંગે થાક અપાર.’
મલકી વીજ સરીખડું આવી ઉંબર બહાર,
તો તનડે ખીલી ઊઠે રોમે ફૂલ હજાર.
‘ઉતાવળી આવી લીયો આવો જગ આધાર!
વાળુના ઘડું રોટલા એમાં લાગી વાર.’
આંગળ ભાત્યે ઓપતો હતો રોટલો હાથ,
રન્નાદે ફૂલશું હસી રહે નીરખી નાથ.
‘ઊભાં રહેજો બે ઘડી સખી આમને આમ,
આ રૂપ આગળ રાજવણ તૃણ સમ રૂપ તમામ’

– ભાનુપ્રસાદ પંડ્યા

ચોમેર સાંજ ઢળે અને સૂરજ દેવ કિરણો સમેટી લઈને પોતાના ઘરે આવે, રથ થંભાવે, સાતે ઘોડા છૂટાં કરે, માથેથી મુગટ ને પગેથી મોજડી ઉતારે પણ સત્કાર માટે કોઈ નજરે ન ચડે એટલે પુરુષસહજ અધિકારથી બૂમ પાડે કે આખો દિવસ આથડી-થાકીને આવ્યો છું તે કોઈ આવકારો આપવા આવશે કે નહીં? રોટલા ઘડવામાં વ્યસ્ત હતી એટલે વાર લાગી એવો ખુલાસો કરતાં કરતાં, હાથમાં આંગળાની છાપ પડવાથી શોભતો રોટલો પકડીને પત્ની રન્નાદે વીજળી જેવું સ્મિત વેરતાં ઉંબર બહાર આવી ઊભે છે. સૂર્યદેવ ચિત થઈ જાય છે. કહે છે, બે ઘડી આમ જ ઊભાં રહેજો. આ રૂપની આગળ તો સમસ્ત સંસારનું રૂપ તણખલાં ભાર છે…

દેવોની ગૃહસ્થીની કેવી મજાની કલ્પના! પણ કાવ્યસૌંદર્ય અને કવિકળાની અડખેપડખે જ પુરુષપ્રધાન સમાજ અને પુરુષકવિની માનસિકતા પણ કેવી સાફ નજરે ચડે છે! દેવી-દેવતાઓના સર્જનહાર, શાસ્ત્રોના રચયિતા, મહાકાવ્યોના સર્જકો પણ પુરુષો જ એટલે એમનું વર્તન પણ એ જ રીતનું… હા, “ઊભા”ના માથે માનાર્થે અનુસ્વાર મૂકીને “ઊભાં” કહી સૂરજદેવ રન્નાદેને માન આપે છે એટલું આશ્વાસન લેવું રહ્યું… 

Comments (6)

દૂધ દૂધ હસતો કપાસ ! – ભાનુપ્રસાદ પંડ્યા

કાલાનાં ગલોફાં બેય બાજુ ફાડીને
.                          દૂધ દૂધ હસતો કપાસ !
સ્ત્રોવરની જેવડું સાંકડું લાગે છે ખેત
.                         સીમનોય કરતો ઉપહાસ.

ગોટેગોટામાં શ્વેત ઝૂકીને અમળાતો
.                         સાગરના પાડતો ચાળા :
દરિયાનાં ફીણ બે’ક પળનાં મે’માન
.                         શીદ રેતીમાં મારતો ઉછાળા ?
કાયમ છલકાઉ ના પૂનમની પરવા કે
.                         મારે ના જોઈએ અમાસ !

કાલાંથી પ્રગટેલું હાસ મારું ગૂંથાતું
.                         અવનિ આખીને વીંટળાશે,
ઉઘાડાં અંગ બધાં ઢાંકીને મનખાને
.                         રોમરોમ હળવું હસાવશે,
ચાંદનીના અજવાળાં પાથરશે ઘેરઘેર
.                         સૂરજનો કરશે ઉજાસ !

– ભાનુપ્રસાદ પંડ્યા

કાલાં ફાટેને અંદરથી દૂધ જેવો કપાસ હસતો લચી પડે છે ત્યારે એના ઉજાસ સામે ખેતર અને સીમ પણ સાંકડા લાગે છે. બે ઘડીના મહેમાન દરિયાનાં સફેદ ફીણ કે એક દી’ના અતિથિ અમાસ-પૂનમથી પણ કાલાંની સફેદી વધુ શુભ્ર છે.

નવી પેઢીને તો કદાચ કાલાં એટલે શું એ પણ સમજાવવું પડે.

Comments (9)

પવનની ઉતાવળ– ભાનુપ્રસાદ પંડ્યા

મારે હવે ઉપડવું જોઈએ –
હથેળીમાં ફૂલ લઈને એકલાં
હળુ હળુ ફરે છે સોડમદે,
પતંગિયાની પાંખનું
પટોળું પહેરીને ઊભાં ઊભાં
મલકે છે પ્રભાતકુંવરી.
પર્ણોની સિતાર હજી પડી સાવ ચૂપ ?
ગતિહીન દીસે પેલા દેવળનાં
ધજા અને ધૂપ ?
પાલવમાં ઢાંકી રાખ્યું
ચલાવી લેવાય કેમ
છડેચોક નીસરતું રાતુંચોળ રૂપ ?
રસ્તામાં ગંધને
ભમરા ગમાડતા જવા છે,
જળના છોરું રમાડતાં જવાં છે,
વગડાની વાટે ક્યાંક
બેસી પડી છે ઓલી ધૂળની ડોશી
એને બાવડું ઝાલીને બેઠી કરવી છે –
અડસઠ તીરથ ભેગી કરવી છે  !

– ભાનુપ્રસાદ પંડ્યા

પવનને ઉપડવું છે. ઉતાવળમાં ઉપડવું છે. એણે પર્ણોની સૂની પડેલી સિતારને ઝણકાવવાની છે, ઘજા ને ધૂપને ‘ગલીપચી’ કરવાની છે, પાલવને ઉડાડીને એક ઝલકની ચોરી કરવાની છે, ભમરાને સુગંધની દોરીથી બાંધી લેવાના છે ને – સૌથી મઝાની વાત – ધૂળ-ડોશીને અડસઠ તીરથની યાત્રા કરાવવાની છે. વાત સામાન્ય છે પણ કલ્પનો એવા તો મનમોહક છે કે કાવ્ય પૂરું થતા સુધી હોઠ પર મલકાટ આવી જ જાય છે. આ મલકાટ જ કવિ-ગીરીનો  વિજય છે :-) 

Comments (10)

દુ:ખની સ્વીકૃતિનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા

સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !

લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.

નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !

– ભાનુપ્રસાદ પંડ્યા

સુખની સ્વીકૃતિનું ગીત તો કેમ હોઈ શકે, સુખ તો આપણને સહજ સ્વીકાર્ય છે.  અહીં ગ્રામનાયિકા સુખ અને દુ:ખની લાક્ષણિકતા પોતાની આગવી લઢણમાં દર્શાવે છે.  એને મન તો સુખ એક સોહામણા  ‘છાયલ’ જેવું છે, જે એના અંગે સ્પર્શે તો છે પરંતુ એ વાયરા જેવું ચંચળ અને લીસ્સું હોઈ ઊડીને અને અડીને અળગું પણ થઈ જાય છે.  જ્યારે દુ:ખ તો એને મન અંગે ત્રોફાવેલ એક છૂંદણા જેવું છે, જે માત્ર અંગને અડતું નથી પરંતુ અંગનો એક અવિભાજ્ય ભાગ બની ગયેલ છે – રૂંવાડે કોરાઈ ગયેલ છે – બિલકુલ કોઈ વ્હાલા સ્વજનની જેમ.  વળી વાયરો તો ક્ષણજીવી છે. જ્યારે સૌંદર્યના શણગારની જેમ છૂંદણાં ત્રોફાવતી ગ્રામનાયિકાને મન છૂંદણાનો મહિમા અનેક ઘણો મોટો છે, જેને એ ‘ભાઈબંધણું’ કહીને જીવનમાં એની અગત્યતા અને દૃઢતા બતાવે છે.  નાયિકાને દુ:ખની સહેજે ફરિયાદ નથી, એને તો એ સહજ સ્વીકાર્ય છે.  કારણ કે એ કહે છે કે એનું ‘છૂંદણું’ કોઈ સોનારે કે મણિયારે એને નથી ઘડી આપ્યું, બલ્કે ખુદ એના જનમારાએ જ એને ઘડ્યું છે –  જે ઉક્તિ કદાચ એક ગ્રામિણનારીનાં જીવનમાં વણાઈ ગયેલા ‘સહજ દુ:ખ’ને વધુ ઉજાગર કરે છે.

પરમ દિવસે જ ધવલે મૂકેલું વિપિન પારેખનું સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું ગમશે.

Comments (12)

આયખું – ભાનુપ્રસાદ પંડ્યા

આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
.             આયખું તો અવસરની ડાળ !

કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો
.            ને મંજરીની જેમ રાત મ્હોરે !
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું
.               મન એમ હળવું થઈ ફોરે !
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
.               આયખું તો આંબાની ડાળ !

કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
.             આયખું તો ઘરઘરની વાત !
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી
.             વિરલાં વરસોની રૂડી ભાત !
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
.               આયખું તો હરણાંની ફાળ !

-ભાનુપ્રસાદ પંડ્યા

ભજનના ઢાળમાં વહેતું આ ગીત આપણને જીવન વિશેના વિધાયક અભિગમ તરફ આંગળી ચીંધે છે. આયખું એ આજ કે કાલ અર્થાત્ વર્તમાન કે ભૂત-ભવિષ્યના સમયનો સરવાળો નથી, કેવળ અવસરનો ખેલ છે. અર્થાત્ જે ક્ષણની પૂરી લહાણ લીધી એટલું જ સાચું આયખું. અને આપણે ડગમગ જીવન જીવવાનું નથી, આ જીવતરના અવસરને હરણફાળ ભરીને માણી લેવાનો છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આવું જ એક નખશીખ સૌંદર્યસભર ગીત આપણે અહીં માણી ચૂક્યા છીએ.

Comments (4)

આખ્ખું બાવળપણું ખોયું ! – ભાનુપ્રસાદ પંડ્યા

મેં – કાંટાએ ઝાકળને પ્રોયું
અને પ્હેલીવાર આરપાર જોયું:

લાગે કે આસપાસ છલકાયું સ્રોવર
ને પોતે રહ્યો છું એમાં ડૂબી ?
ઓરું આવીને ઊભું મેઘધનુ આંખમાં
સાતે ય રંગોની કેવી ખૂબી ?
પાસે પરોઢ આવી સોહ્યું ?!

હું તો પલ્ટાઈ થયો કૂણેરી દાંડલી
ક્યાં ગઈ એ બાવળિયા શૂલ ?
અણિયાળી ટોચ જતી પલકારે ઓગળી
ને એની પર ફૂટ્યું શું ફૂલ ?!
એલ્લા, આખ્ખું બાવળપણું ખોયું !
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું !

– ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ: ૨૪-૦૪-૧૯૩૨, અમરેલીના તોરી ગામમાં. જાણીતા કવિ અને વિવેચક. સૉનેટ અને ગીતમાં એમની સર્જકતાનો રુચિકર ઉઘાડ જોવા મળે છે. આ ગીતમાં કાંટાની ઉપર ઝાકળબુંદ વીંટળાયા પછી કાંટાની આખેઆખી બદલાઈ ગયેલી દુનિયામાં ક્યાંક મનુષ્યજીવનની તીક્ષ્ણતા કોઈક સુંવાળા સહેવાસ થકી સમૂળગી કઈ રીતે બદલાઈ શકે છે નો ઈંગિત દૃશ્યમાન થતો જણાય છે. અહીં પહેલી પંક્તિમાં મેં અને કાંટા શબ્દની વચ્ચે મૂકેલો એક નાનકડો ડેશ (-) આખા કાવ્યવિશ્વને સમૂચ્ચુ બદલી નાંખે છે… અને પછી પ્રસંગ કાંટાની આંખેથી ઝાકળને જોવાને ભલે કહેવાયો હોય, આપણે આપણી આંખને ક્યાંક ઊઘડતી અનુભવીએ છીએ…
(કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’.)

Comments (5)

અંધજનનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !

ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ 24- એપ્રિલ 1932
કાવ્ય સંગ્રહો – અડોઅડ , ઓતપ્રોત, ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર

Comments (4)