આખ્ખું બાવળપણું ખોયું ! – ભાનુપ્રસાદ પંડ્યા
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું
અને પ્હેલીવાર આરપાર જોયું:
લાગે કે આસપાસ છલકાયું સ્રોવર
ને પોતે રહ્યો છું એમાં ડૂબી ?
ઓરું આવીને ઊભું મેઘધનુ આંખમાં
સાતે ય રંગોની કેવી ખૂબી ?
પાસે પરોઢ આવી સોહ્યું ?!
હું તો પલ્ટાઈ થયો કૂણેરી દાંડલી
ક્યાં ગઈ એ બાવળિયા શૂલ ?
અણિયાળી ટોચ જતી પલકારે ઓગળી
ને એની પર ફૂટ્યું શું ફૂલ ?!
એલ્લા, આખ્ખું બાવળપણું ખોયું !
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું !
– ભાનુપ્રસાદ પંડ્યા
જન્મ: ૨૪-૦૪-૧૯૩૨, અમરેલીના તોરી ગામમાં. જાણીતા કવિ અને વિવેચક. સૉનેટ અને ગીતમાં એમની સર્જકતાનો રુચિકર ઉઘાડ જોવા મળે છે. આ ગીતમાં કાંટાની ઉપર ઝાકળબુંદ વીંટળાયા પછી કાંટાની આખેઆખી બદલાઈ ગયેલી દુનિયામાં ક્યાંક મનુષ્યજીવનની તીક્ષ્ણતા કોઈક સુંવાળા સહેવાસ થકી સમૂળગી કઈ રીતે બદલાઈ શકે છે નો ઈંગિત દૃશ્યમાન થતો જણાય છે. અહીં પહેલી પંક્તિમાં મેં અને કાંટા શબ્દની વચ્ચે મૂકેલો એક નાનકડો ડેશ (-) આખા કાવ્યવિશ્વને સમૂચ્ચુ બદલી નાંખે છે… અને પછી પ્રસંગ કાંટાની આંખેથી ઝાકળને જોવાને ભલે કહેવાયો હોય, આપણે આપણી આંખને ક્યાંક ઊઘડતી અનુભવીએ છીએ…
(કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’.)
Jugalkishor said,
April 21, 2007 @ 10:03 AM
ઉંચી કરેલી આંગળી જેવી બાવળની શૂળ અને ઝાકળના સ્પર્શે પરિવર્તિત વ્યક્તિત્વની આ વાત નરી કવિતાનો અનુભવ છે.
આટલી ઉંચી અનુભૂતિ કેટલી સહજતાથી મૂકી આપી છે ! નવા કવિઓ માટે તો ટૉનિક જેવું કાવ્ય બની રહેશે. મને તો માણવા કરતાંય જાણવાનું વધુ મળ્યું.
સરસ. આપણાં બ્લોગાંગણાંઓ ઉપર આવા સાથિયા પૂરતા જ રહો, ડૉક્ટર !
harnish jani said,
April 21, 2007 @ 10:59 AM
આનુ’ નામ કવિતા. આવા સર્જ ન ગુજરાતી સાહિત્યને સમરૂધ્ધ બનાવે છ્એ.
ધવલ said,
April 23, 2007 @ 1:02 AM
બહુ સુંદર !
UrmiSaagar said,
April 23, 2007 @ 4:48 PM
ખરેખર.. અદભૂત… સુંદર કાવ્ય!
બાવળનાં બાવળપણું ખોવાવાળી વાત તો ખૂબ જ ગમી…
લયસ્તરો » આયખું - ભાનુપ્રસાદ પંડ્યા said,
August 16, 2007 @ 2:19 AM
[…] ભજનના ઢાળમાં વહેતું આ ગીત આપણને જીવન વિશેના વિધાયક અભિગમ તરફ આંગળી ચીંધે છે. આયખું એ આજ કે કાલ અર્થાત્ વર્તમાન કે ભૂત-ભવિષ્યના સમયનો સરવાળો નથી, કેવળ અવસરનો ખેલ છે. અર્થાત્ જે ક્ષણની પૂરી લહાણ લીધી એટલું જ સાચું આયખું. અને આપણે ડગમગ જીવન જીવવાનું નથી, આ જીવતરના અવસરને હરણફાળ ભરીને માણી લેવાનો છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આવું જ એક નખશીખ સૌંદર્યસભર ગીત આપણે અહીં માણી ચૂક્યા છીએ. […]