દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ધ્વનિલ પારેખ

આયખું – ભાનુપ્રસાદ પંડ્યા

આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
.             આયખું તો અવસરની ડાળ !

કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો
.            ને મંજરીની જેમ રાત મ્હોરે !
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું
.               મન એમ હળવું થઈ ફોરે !
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
.               આયખું તો આંબાની ડાળ !

કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
.             આયખું તો ઘરઘરની વાત !
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી
.             વિરલાં વરસોની રૂડી ભાત !
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
.               આયખું તો હરણાંની ફાળ !

-ભાનુપ્રસાદ પંડ્યા

ભજનના ઢાળમાં વહેતું આ ગીત આપણને જીવન વિશેના વિધાયક અભિગમ તરફ આંગળી ચીંધે છે. આયખું એ આજ કે કાલ અર્થાત્ વર્તમાન કે ભૂત-ભવિષ્યના સમયનો સરવાળો નથી, કેવળ અવસરનો ખેલ છે. અર્થાત્ જે ક્ષણની પૂરી લહાણ લીધી એટલું જ સાચું આયખું. અને આપણે ડગમગ જીવન જીવવાનું નથી, આ જીવતરના અવસરને હરણફાળ ભરીને માણી લેવાનો છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આવું જ એક નખશીખ સૌંદર્યસભર ગીત આપણે અહીં માણી ચૂક્યા છીએ.

4 Comments »

  1. પંચમ શુક્લ said,

    August 16, 2007 @ 5:14 AM

    ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
    . આયખું તો હરણાંની ફાળ !

    મજાનું ગીત.

  2. GeetaParul said,

    August 16, 2007 @ 11:05 PM

    વેળાના વાયરામાં રજોટાય નહિ એવી
    . વિરલાં વરસોની રૂડી ભાત !

    “રજોટાય” એટલે?

    ખુબજ સુંદર કલ્પના! છતાંય કેટલી સરળ?
    મઝા આવી ગયી!

  3. વિવેક said,

    August 17, 2007 @ 1:45 AM

    “રજ” એટલે રજકણ યા ધૂળ ઉપરથી “રજોટાય’ એ ક્રિયાપદ બન્યું છે. રજોટાય એટલે ધૂળિયા બનવું.

  4. ઊર્મિ said,

    August 17, 2007 @ 11:36 AM

    અરે વાહ… કેવું મજાનું ગમતીલું ગીત!!

    ખરેખર મજા આવી ગઈ વિવેક.. ખૂબ જ ગમ્યું!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment