વિદાય – કુલીનચંદ્ર યાજ્ઞિક
(પૃથ્વી)
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશમાં; ક્વચિત સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્મની ખોજમાં.
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
– કુલીનચંદ્ર યાજ્ઞિક
આવ્યા એ તમામનું જવું પૂર્વનિર્ધારિત અને સુનિશ્ચિત હોવા છતાં મનુષ્યો મૃત્યુને સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. પ્રસ્તુત સૉનેટ એ જવાની તૈયારીનું કાવ્ય છે. વિદાયની ઘડી વસમી ઘડી છે એના સ્વીકાર સાથે કવિ જીવનનાં લેખાંજોખાં માંડે છે. વિગત વર્ષો અભ્યાસમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વીત્યાં છે. આ વર્ષો ક્યારેક જ્ઞાનસાગરમાંથી બુંદભર અમૃત પામવા માટે તો ક્યારેક સ્વની ખોજ કરવામાં વીત્યાંછે, ક્યારેક ઉમંગ સાથે તો ક્યારેક નિરાશા સાથે વીત્યાં છે. સ્વજનોથી અળગાં થવાની પળો કપરી છે. સ્વજનો, ભેરૂઓ, સફરના સાથીઓ, તથા જીવનની તડકી-છાંયડીના તટસ્થ સાક્ષીઓ – આ તમામથી હવે વિયોગ થનારો છે. આ અનિત્ય જગમાં પરિવર્તન જ નિત્ય છે. (યાદ આવે: The Only Constant Is Change- Heraclitus) અવ્યક્તથી વ્યક્ત થઈ ફરી અવ્યક્તમાં સરી જવુંએ જ પ્રકૃતિની રીત છે. એનો મોહ કે શોક ન હોય, કરવો પણ ન જોઈએ. જીવનની બેડીઓથી મુક્તિ મળવી એટલે નવા પંથ શોધવાનો, નવી સાધના,નવા તપ, અને નવા યજ્ઞો કરવાની નવ્ય તક!
(ઉછંગ-ખોળો; પીયૂષલવ=અમૃતનો અંશ, જૂજવા=અલગ; પ્રતીપ=પ્રતિકૂળ; પથ્ય=મંગળ)