આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

કરોળિયો અને મોર : ૦૨: મોર – નિરંજન ભગત

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.

– નિરંજન ભગત

ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:

મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!

7 Comments »

  1. જયેન્દ્ર ઠાકર said,

    December 25, 2021 @ 5:59 AM

    એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે….અને હા, મોરના ઈડા પણ કંઈ ચિતરવાના હોય!

  2. pragnajuvyas said,

    December 25, 2021 @ 8:50 AM

    મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
    અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
    અદભુત
    ખૂબ મધુર સોનેટનો મધુરતમ આસ્વાદ ડૉ વિવેક દ્વારા.
    મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે-શુક્ર ગ્રહ સંગીત એવમ મનોરંજક રસ સાથે જોડાયેલ છે એટલે મોરને શુક્રાંગ કહે છે મોર અર્થાત્ નર્તક કે નૃત્યપ્રિય. સંસ્કૃતમાં મોર એટલે ગલવ્રત, સર્પદ્ધિષ, મેઘાનંદિન, ભુજગારિ, ચિત્રપર્ક, શિખાધર, બહિર્ણ, શાપટિક, કજાર, સમરવિષ્કિર, શિખિન, મરૂક, શિખિ, દિપ્તાક્ષ, પ્રમાદિક, કુમારવાહિન, વૃષિન, સર્પરાતિ, અસિતગ્રીવ, મેઘસુદ, શિતિકંઠ, ભુજંગભોગિન, શિખાવલ, કલધ્વનિ, કૂકવાકુ, સ્થિરમદ, શ્યામકંઠ, મરૂક, દિપ્તાંગ, પ્રવેલાકિન, મેઘનાદાનુલાસી, કલાધર, કુંડલિન, અહિદિષ, નાગવારિક, રાજસારસ, શુક્લાંગ, ભુજંગભુજ, જીવથ. કૃષ્ણને પ્રિય અર્જુન મોર માટેનો પર્યાયવાચી શબ્દ છે.મયૂર. લાપી. કેકી, મોરલો. મોરલિયો. નીલાંજન, નીલકંઠ
    ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીંછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોરપીંછ ધારણ કરે છે. માં સરસ્વતી ના વાહન રૂપે પણ મોર ઓળખાય છે.
    ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન મોર

  3. Harihar Shukla said,

    December 25, 2021 @ 10:21 AM

    નકરી મોજ 👌

  4. Kajal kanjiya said,

    December 25, 2021 @ 11:44 AM

    वाह वाह

  5. હર્ષદ દવે said,

    December 25, 2021 @ 1:27 PM

    સરસ કવિતા અને બંને કવિતાના આસ્વાદ માટે અભિનંદન

  6. Anila Patel said,

    December 25, 2021 @ 1:49 PM

    મોરના અસંખ્ય પર્યાય આજે જ જાણ્યા,કાવ્ય ના મધુર આસ્વાદ સાથે જ્ઞાન પણ મળ્યું. અભિનંદન.

  7. Poonam said,

    December 25, 2021 @ 6:47 PM

    મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
    અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
    – નિરંજન ભગત – Aahaa…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment