હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
- વિવેક મનહર ટેલર

સાથી – ડોરથી લિવસે (અનુ.: વિવેક મનહર ટેલર)

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

*

સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું આ સૉનેટ કેવું મજાનું છે, જુઓ! આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાતનો પ્રેમ જીવનભરનું ભાથું બની રહેતો હોય છે. દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. અહીં એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારનો સ્નેહાસિક્ત સહવાસ જીવનભરના ઉપવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

*

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

12 Comments »

  1. Rena suthar said,

    July 17, 2021 @ 3:20 AM

    સરસ અનુવાદ
    અને આસ્વાદ

  2. Dr Hemant Chauhan said,

    July 17, 2021 @ 3:28 AM

    મોજ મોજ… પ્રેમમાં મોજ પડે એવી ક્યાંય ન પડે.

  3. Himanshu Jasvantray Trivedi said,

    July 17, 2021 @ 4:21 AM

    આભાર. Such a tender and profound poem to describe ‘love’ and the ‘those bound in that love’. You have, as usual, done great service to the poetry of the world and to Gujarati poetry by bringing such tender subjects. I do not though agree that being involved, while being in bliss of love, the couple who indulge in regular sex, are ‘mechanical’ as that is one of the bias in our education and society as if it is a taboo. But I completely see the rest of your commentary below the brilliant translation or more like free conversion to Gujarati of a beautiful poem and its gist discussed below in your comment Dr Vivek Tailor, Sir. Thank you.

  4. Arvind Gada said,

    July 17, 2021 @ 4:27 AM

    સોનેટની છેલ્લી બે લીટી તન અને મનના સગપણની સરસ વાત કરે છે. તન રોજ મળે પણ મન મેળ હોય જ નહિં અને તન એકદા જ મળે પણ આખા જનમારા પર એનો પ્રભાવ રહી જાય તે જ સાચો પ્રેમ! અને કળીને ખોલવાની કળા આજેય કોને સહજ છે? આજે પણ કળી કે ફૂલને ચગદવામાં જ લોકો સાર્થક્ય સમજે છે.

  5. Nayan said,

    July 17, 2021 @ 6:39 AM

    Love also have two axis, mind ( heart) and body. Heart axis is timeless. Body has definite time limit. Life is endless travel in search of pursuit of happiness for body and mind.
    Excellent poem and great translation with appropriate comments.
    Thanks.

  6. pragnajuvyas said,

    July 17, 2021 @ 8:49 AM

    વિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જતી હતી..
    ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
    ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
    છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
    પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.
    વાહ
    વિશ્વમા અનેકોમા અનુભવાતી વાતની સ રસ રજુઆત
    પ્રેમ આંખથી નીતરે ત્યારે પ્રથમ પ્રકૃતિમાં પરમાત્મા ભાસે. પરંતુ જેમ જેમ પરિપક્વ થતો જાય તેમ તે વિસ્તરતો જાય અને એક દિવસ રામમાં જ નહીં પણ રાવણમાં પણ એનુ જ રુપ દેખાય. અને જે દિવસે સર્વત્ર એના જ દર્શન થાય ત્યારે માનવ જીવનનુ લક્ષ્ય પુરું થાય. ત્યારે ભિતર ભાવ ઉઠે,” જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપની.” એના સિવાય અહીં બીજું છે પણ શું?
    Dorothy Livesay ની Comrade નુ સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું મજાનું સોનેટ . ડૉ વિવેક દ્વારા સરસ અનુવાદ અને આસ્વાદ.
    ધન્યવાદ

  7. Chetan Shukla said,

    July 18, 2021 @ 1:30 AM

    સ-રસ સોનેટ
    સ-રસ રજુઆત
    સરસ આસ્વાદ

  8. પ્રકાશ સોજીત્રા said,

    July 19, 2021 @ 12:56 PM

    વાહ ખૂબ સરસ છે..
    અનુવાદ થયો એનો રાજીપો…

  9. Khyati thanki said,

    July 19, 2021 @ 7:37 PM

    અનેરો આસ્વાદ…..
    સંબંધોના પરિપ્રેક્ષ્યમાં સ્થિર થયેલી પ્રેમાભૂતી….
    ખુબ ખુબ ખુબ સુંદર…શબ્દો….

  10. વિવેક said,

    July 20, 2021 @ 1:19 AM

    સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….

  11. જાનકી said,

    July 21, 2021 @ 10:22 AM

    સૌ પ્રથમ તો કવિયત્રી ડોરથી લિવસેને આ સૉનેટ માટે દાદ દેવી ઘટે…

    અને બીજા અભિનંદન આટલાં અદ્દભૂત ભાવાનુવાદ અને કાવ્યના ઉત્તમ આસ્વાદ માટે કવિ ડૉ. વિવેક ટૅલરને આપવા જ રહ્યા…

    અક્ષુણ્ણાં, કુસુમકલી, અરવ સુખ, પ્રેમાશ્લેષે જેવાં શબ્દો કાવ્યનાયિકાની ઊર્મિઓને વધુ ભાવવાહી બનાવે છે.
    એ ઉપરાંત આખા કાવ્યનો મંદાક્રાંતા જેવા છંદમાં ભાવાનુવાદ કરીને કવિએ કમાલ કરી છે… ખૂબ શુભકામનાઓ…
    નવી કવિતાના ભાવાનુવાદની પ્રતીક્ષા સહ,

    જાનકી

  12. Janki said,

    July 21, 2021 @ 1:35 PM

    સૌ પ્રથમ તો કવિયત્રી ડોરથી લિવસેને આ સૉનેટ માટે દાદ દેવી ઘટે…

    અને બીજા અભિનંદન આટલાં અદ્દભૂત ભાવાનુવાદ અને કાવ્યના ઉત્તમ આસ્વાદ માટે કવિ ડૉ. વિવેક ટૅલરને Vivek Tailor આપવા જ રહ્યા…

    અક્ષુણ્ણાં, કુસુમકલી, અરવ સુખ, પ્રેમાશ્લેષે જેવાં શબ્દો કાવ્યનાયિકાની ઊર્મિઓને વધુ ભાવવાહી બનાવે છે.
    એ ઉપરાંત આખા કાવ્યનો મંદાક્રાંતા જેવા છંદમાં ભાવાનુવાદ કરીને કવિએ કમાલ કરી છે… ખૂબ શુભકામનાઓ…
    નવી કવિતાના ભાવાનુવાદની પ્રતીક્ષા સહ,

    જાનકી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment