ઘર : ૦૧ : જૂનું – હસમુખ મઢીવાળા
(શિખરિણી)
ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.
– હસમુખ મઢીવાળા
પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.
કિશોર બારોટ said,
February 1, 2024 @ 11:32 AM
ઘર વિષયક વધુ એક ઉમદા કાવ્યનો પરિચય થયો તેનો આનંદ છે.
Jayant Dangodara said,
February 1, 2024 @ 11:42 AM
ઘર અને ઘરની સાથેનો અનુબંધ કેવો ભાવવાહી હોય છે!
બાબુ સંગાડા said,
February 1, 2024 @ 8:29 PM
ખૂબ સરસ કવિએ ઘર અને મકાન વચ્ચેનો ભેદ રજુ કર્યો
Poonam said,
February 2, 2024 @ 12:38 PM
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ… sundar !
– હસમુખ મઢીવાળા –
Aaswad 👌🏻