જાગતી’તી એય મારી સાથમાં,
રાત કોની યાદમાં રાચી હતી?
– રાહુલ શ્રીમાળી

ઊઠો ના– – મહેશ જોશી

હવે તેા ઊઠો ના મુજ હૃદયના સુપ્ત ઈસુ હે!
સૂતા રહો વિશ્રંભે, સકલ રસવું સ્પન્દિત હયે:
સ્ત્રવેલા કારુણ્યે વિફલ ઉરના કોમળ પુટે
વસો છાના, છાના; વ્યથિત થઈને આજ ઊઠવા
ચહો છો, કિન્તુ છો જગત વ્યવહારોથી અબૂઝ
હજુ પહેલાં જેવા, સજલ બનતા સદ્ય હૃદયે
અસત્યોને હાથે સત હત થતું જોઈ હજીયે!
હજુયે ચાહો છો જડ જગત ઉદ્ધાર કરવા!

હજુયે ઇચ્છા છે અમૃત અવનીમાં વહવવા?
યદિ ઇચ્છા, આવેા, પ્રભુ, મુકુટ હયાં કંટક તણા
ખીલાઓ તીણા ને ક્રૂસ અહીં ઊભા જુગજૂનાં
નવાં રૂપે, અશ્રુ હજુયે દૃગ માંહે નિધનની –
પછી રોવા. ઊઠો નહીં નહીં હવે હે પરમ સતત્,
છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના.

– મહેશ જોશી
(૨૩-૦૯-૧૯૩૩ થી ૨૫-૦૧-૨૦૧૮)

જગવ્યવહારથી ગમે એટલું માહિતગાર કેમ ન હોય, કવિહૃદય તો સદૈવ સર્વાનુકંપાથી ભર્યુંભાદર્યું જ હોવાનું. પોતાના હૃદયમાં સૂતેલા રામને-ઇસુને ફરીથી જાગૃત ન થવા કવિ કહે છે. કહે છે, પ્રભુ! આરામથી સૂતા રહો. પહેલાંની જેમ વ્યથિત થઈ ઊઠવાની આ ઘડી નથી, કારણ કે ઈશ્વર દુનિયાના વ્યવહારોથી સાવ અજાણ છે. અસત્યોના હાથે સતને હણાતું જોઈ હજીય ઈશ્વરનું હૃદય ભીનું થઈ જાય છે. જગતનો ઉદ્ધાર કરવાની ચાહના છૂટતી નથી. વાત આમ ઈશ્વરને સંબોધીને છે, પણ સમજાય છે કે કવિ પોતાની અંદર સૂતી અનુકંપાને જ સમજાવી રહ્યા છે. કંઈ કેટલાય અવતારો અને ધર્મગુરુઓ અવનિના પટ પર આવ્યા અને ચાલી ગયા. માનવજાતિના કલ્યાણ માટે એમણે વહાવેલ અમૃત જાણે કે દરિયામાં વહી ગયું. પણ દુનિયાને અમૃતની ભેટ આપવાની ઇચ્છા હજી મરી પરવારી નથી. અહીં આવીને કવિ ઈશ્વરને ચેતવે છે કે જો ફરી અવતાર ધારવાની અને મનુષ્યોને તારવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો ફરી કાંટાળા મુગટ, ખીલા અને ક્રૂસે ચડવા તૈયાર રહેજો કારણ કે યુગયુગોથી આ સામગ્રી મનુષ્યોએ એમનીએમ સાચવી રાખી છે અને અલગ-અલગ રૂપે તમામ ઉદ્ધારકોને મનુષ્યો એનાથી જ નવાજતા આવ્યા છે. આ દુનિયામાં હવે અવતાર લેવા જેવો નથી એમ વારંવાર કહ્યા પછી આખરે કવિ કહે છે કે જો અવતરવું જ હોય તો એક-એક મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ.

6 Comments »

  1. preetam lakhlani said,

    October 13, 2022 @ 11:56 AM

    excellent poem, congratulations to poet

  2. Juhi Shah said,

    October 13, 2022 @ 1:23 PM

    છતાંયે જો ઈચ્છા , ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના..🌷🙏🏻

  3. Bharati gada said,

    October 13, 2022 @ 1:27 PM

    વાહ ખૂબ સુંદર સોનેટ…. કવિએ સરસ વાત કહી જો અવતરવું જ હોય તો એક એક એક મનુષ્ય ના હૈયામાં તેજના ઝરા બનો…

  4. pragnajuvyas said,

    October 13, 2022 @ 8:31 PM

    કવિશ્રી મહેશ જોશીનુ ઊઠો ના સુંદર સોનેટ
    ડૉ વિવેકનો ખૂબ સ રસ આસ્વાદ

  5. Kajal kanjiya said,

    October 14, 2022 @ 10:59 AM

    વાહ ખુબ સરસ

  6. Poonam said,

    October 15, 2022 @ 9:45 AM

    છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના… Mast !
    – મહેશ જોશી –

    મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ. 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment