જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
વિવેક કાણે ‘સહજ’

અનામી આશ્ચર્યોમાં – ઉશનસ્

(શિખરિણી)

અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં
નર્યા આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;
ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,
વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!

અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,
અજાણ્યાં ઝાડોમાં નજર ઊડતી નામ ચૂગતી,
જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,
દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી
અમારી લોકોની – વનથી નિરવાસ્યા જનતણી.

અનામી વ્હૈ જાતાં ઝરણ, રણકે કંકર-કણી,
અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,
અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી !

અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.

– ઉશનસ્

સંસ્કૃતિના આવરણ ઉતારીને પ્રકૃતિના ખોળે જનાર માનવીની અનુભૂતિનું જયન્ત પાઠકની કલમે આલેખાયેલ એક સૉનેટ આપણે ગઈ કાલે જોયું. એમના જ મસિયાઈ ભાઈ ઉશનસનું એ જ વિષયને લગતું એક સૉનેટ આજે માણીએ. કવિએ સાપ-ઉતારા, ડાંગમાં અનહદની સરહદે શીર્ષકથી એક સૉનેટ-ગુચ્છ રચ્યું હતું એમાંનું એક તે આ.

જયન્ત પાઠકે પ્રકૃતિના ખોળે વસ્ત્રો ત્યાગી દઈ આદિમતા અનુભવી હતી, જ્યારે ઉશનસ અનામી જંગલોમાં ઓળખનો ત્યાગ કરે છે. સાપુતારા, ડાંગના મનુષ્યોની વસ્તી, ખેતરો અને મનુષ્યોએ રોપેલાં વૃક્ષોની સીમા વટાવી કાવ્યનાયક કુદરતનિર્મિત જંગલોમાં પ્રવેશે છે ત્યારે જે અનામી આશ્ચર્યો અનુભવે છે એની વાત અહીં કરે છે. અજાણ્યાં પહાડો અને અજાણ્યાં ઝાડ નામજોગ પિછાનને મિટાવી દે છે. નિસર્ગના અંકમાં એટલું તો નાવીન્ય ભર્યું છે કે કુતૂહલ સિક્કે થાકી જાય. ઝરણાં-કંકર-પર્ણો બધું જ નામ વિના પોતપોતાનો ભાગ ભજવે છે. પ્રકૃતિની સંસ્કૃતિ લીધા-દીધાની કોઈ જ ગણતરી વિનાની છે. કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવવાની ઉશનસની રીત એમના મસિયાઈ ભાઈ કરતાં ભિન્ન છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવીને કવિ પોતાનું અને પોતાના નગરનું નામ સુદ્ધાં ભૂલી જાય છે… એ રીતે તેઓ પણ આ અજાણ્યાં વનપ્રદેશનો એક અનામી હિસ્સો બની રહે છે.

2 Comments »

  1. હરજીવન દાફડા said,

    August 9, 2024 @ 12:32 PM

    વાહ ખૂબ સરસ સોનેટ
    એટલું જ કાબિલેદાદ અવલોકન
    અભિનંદન

  2. Poonam said,

    August 26, 2024 @ 6:03 PM

    અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
    ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.
    – ઉશનસ્ – 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment