ના કદી એથી વધુ પામી શક્યા
પામવાની ધારણા કેવળ હતી.
– રમેશ ઠક્કર

લગ્નનું ઘર – ‘સનાતન’

(શિખરિણી)

કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.

– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)

આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.

(ધૂવળ-ધૂવર, ધૂળ)

3 Comments »

  1. pragnajuvyas said,

    January 25, 2020 @ 10:38 AM

    શ્રી રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’ નુ ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ શિખરિણી છ્ંદમા મઝાનું સોનેટ અને તે અંગે ડૉ વિવેકનો સુંદર આસ્વાદ
    સામાને સમજવાની અનુકંપા સૉનેટને ઉત્તમની શ્રેણીમાં લઈ જાય છે.
    શેક્સ્પીયરશાયી સોનેટ શૈલી પ્રમાણે છેલ્લી બે પંક્તિ
    પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
    અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.
    માં નીપજતો સાર વાચકને મળે છે.

  2. Nehal said,

    January 26, 2020 @ 5:18 AM

    ઓછા ઓળખાયેલા કવિની છૂપા રત્ન સમાન રચના પ્રગટ કરવા માટે આભાર અને અભિનંદન.

  3. Dr Sejal Desai said,

    January 27, 2020 @ 5:58 AM

    ખૂબ સરસ કાવ્ય.. લગ્ન ના ઘરનું આબેહૂબ વર્ણન કર્યું જે આંખ સામે તરવરે છે..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment