ચમરબંધ માણસનો ફફડાટ જો,
હતી બંધ મુઠ્ઠી, તે ખોલી જ નૈ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’

રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




લગ્નનું ઘર – ‘સનાતન’

(શિખરિણી)

કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.

– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)

આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.

(ધૂવળ-ધૂવર, ધૂળ)

Comments (3)