તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણી
તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?
તમે નથી તો, આંબાડાળે કોયલ ક્યાંથી ટહુકે?
તમે નથી તો, વનવગડામાં મયૂર ક્યાંથી ગહેંકે?
તમે નથી તો છોડ હિજરાતા કરે છે બાગના,
તમે નથી તો ફૂલ બધાં ઝૂર્યાં કરે છે ત્યારનાં
‘તમે ખરા છો! સાવ ભૂલકણા’ કોણ બોલશે?
‘જો જો પાછા મોડા પડતા!’ કોણ ટોકશે?
તમે તમારી આંખે સૂરજ ઢાળી દઈને-
કો’ક અજાણી આંખોને અજવાળાં દીધાં!
તમે અચાનક ‘આવું’ કહીને અનંત વાટે ચાલ્યાં,
ભૂલી ગયાં શું કોલ, આપણે બંધ બારણે લીધાં?
તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
તમે નથી તોય અમ અંતરમાં ધૂપસળી શાં મહેંકો.
– ભાનુપ્રસાદ પુરાણી
એકાદા અપવાદને બાદ કરતાં ચુસ્ત પ્રાસ સાથેનું લયબદ્ધ સૉનેટ. જીવનસંગિની જીવનપથમાં નાયકને એકલો છોડીને, ચક્ષુદાન કરીને કોઈક અજાણી આંખોને અજવાળાં દઈને ચાલી નીકળ્યાં બાદની નાયકની મનોદશા અહીં સુપેરે ઉજાગર થઈ છે. ‘તમે નથી તો’ની પુનરોક્તિ મૃતકની ગેરહાજરીની તીવ્રતાનો અને નાયકના જીવનમાં વ્યાપ્ત ખાલીપાના આયામનો પણ ગુણાકાર કરે છે.
Parbat said,
December 12, 2019 @ 2:03 AM
વાહ
તમે નથી…..
અદભૂત સોનેટ
Pravin Shah said,
December 12, 2019 @ 5:01 AM
તમે છો તો અમે છીએ !
તમે નથી તો અમે નથી !
pragnajuvyas said,
December 12, 2019 @ 12:03 PM
તમે નથી તો…! – ભાનુપ્રસાદ પુરાણીનુ પ્રાસ અને લયબધ્ધ સોનેટ
અને ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
જ્યારે આપણું પ્રિયજન આપણને સદામાટે છોડી જાય ત્યારે
સૌનો અનુભવ તેનું નામ મનઝરુખામાં પડઘાયા કરે.
યાદ આવે અમારા યોગેશ્વરજીની રચના
તમે નથી તો જીવનમાં શું નથી,
નાનુંસરખું નામનું પણ ગીત.
સુસંવાદી સ્વસ્થ પ્રસન્ન ચિત્ત.
પ્રાણ પુલકિત. રસની રેલમછેલ,
ચોક્કસ રીત.
તમે નથી તો જીવનમાં શું નથી,
ખબર છે? નેહનું નવનીત. જીત.
પળે પળે પાંગરનારી પરમાનંદદાયિની પ્રીત.
Shriya said,
December 12, 2019 @ 3:25 PM
તમે નથી તો, નથી જિંદગી જીવવા જેવી!
તમે નથી તો, દિલની વાતો કોને કહેવી?…તમે નથી તો’આવું’ એવો કોણ પાડશે ટહુકો?
ખૂબ જ સરસ અને ખુબજ સરળ શબ્દોમાં કવિ એ કેટલી પતિ પત્નીના ગાઢ સંબંધો ની કેટલી ઊંડી વાતો કહી દીધી છે. એક્દુમ હૃદયસ્પર્શી કવિતા! ખુબ આભાર વિવેક આ સુંદર રચના અમારા સુધી લાવવા માટે!
અનિલ શાહ પુના said,
May 8, 2021 @ 12:45 AM
તું ના હોય તો ઘણો બધો ફરક પડે,
તું હોય તોય ઘણો બધો ફરક પડે,
તું ના હોય તો મનમાં એક ભડક પડે,
તું હોય તો ફૂલોની અંહી મહેંક પડે,