નિર્મિશાંજલિ :૦૧: પુત્રને પહેલીવાર શાળાએ મૂકતી વેળા – નિર્મિશ ઠાકર
(મંદાક્રાન્તા-સૉનેટ)
ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!
– નિર્મિશ ઠાકર
(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….
હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.
વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.
ગૌરાંગ ઠાકર said,
February 22, 2024 @ 11:45 AM
વાહ વાહ… ખૂબ સરસ 👌🌷
સુનીલ શાહ said,
February 22, 2024 @ 12:18 PM
વાહ.. બહુ સરસ
Poonam said,
February 23, 2024 @ 12:27 PM
ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
– નિર્મિશ ઠાકર – Saras
Aaswad khoob mast sir ji 🙏🏻
પારુલ ભટ્ટ said,
February 23, 2024 @ 8:15 PM
વાહ….ખોયો એણે કલરવ હવે…. ક્યા બાત…