આખરીવારની એ મસ્ત નજર, શું કહેવું?
વર્ષો વીત્યાં છતાં વીતી ન અસર, શું કહેવું!
- વિવેક મનહર ટેલર

બાને – મણિલાલ દેસાઈ

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.

ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.

વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?

– મણિલાલ દેસાઈ

સૌને આસાનીથી સમજાઈ જાય એવી સહજ સરળ ભાષામાં લખાયેલ આવા સૉનેટ ઝાઝાં જોવાં મળતાં નથી. કથકની બાના નિધનને દસ-બાર વર્ષ થવા આવ્યાં છે, પણ બાની યાદ કવિહૈયે એવીને એવી તરોતાજા જ છે. જીવનના વિકટ પથમાં કવિ માટે બા જ સર્વસ્વ છે. વહેતા સમય સાથે હવા થોડી બદલાઈ ગઈ છે, પણ બાની સ્નેહવર્ષા, હાલાના રણકા અને કાયા કવિના અસ્તિત્વમાં એવાં ને એવાં સચવાઈ રહ્યાં છે. રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે બા ઢબૂરીને સૂવડાવી દેતી હતી અને ખોવાઈ ગયેલાં શમણાંઓ સાથે પુનઃસંધાન થઈ જતું હતું, પણ એ સુખ હવે નસીબે રહ્યું નથી. સમય સતત વીતતો જતો હોવા છતાં કવિને બચપણના દિવસોની બાની હાક હજી કેમ બોલાવી રહી છે એ વિમાસણ સાથે આ મજાનું સૉનેટ જ્યાં વિરમે છે, ત્યાંથી જ ભાવકના લાગણીતંત્રમાં લાંબો સમય સુધી શમી ન શકે એવો રણઝણાટ શરૂ થાય છે.

3 Comments »

  1. Lata Hirani said,

    August 29, 2024 @ 11:42 AM

    સરસ રચના

  2. Dhruti Modi said,

    August 30, 2024 @ 3:00 AM

    હ્રદયને સ્પર્શી જાય એવું સોનેટ ! આમ જુઓ તો સીધી સાદી ભાષા પણ સ્વર્ગે સીધાવેલ
    માતાની યાદ કવિને બરાબર યાદ છે માતાએ કરેલી દરેક વાત, દરેક કામ જે બાળક માટે
    માતાએ કર્યુ હતું તે કવિની સ્મૃતિમાં હજુ ય સચવાયેલું છે.
    ‘મા તે મા બીજા વગડાના વા ‘

  3. Poonam said,

    September 5, 2024 @ 6:41 PM

    વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
    રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
    – મણિલાલ દેસાઈ –
    Vanchata vachta ( Hato hu suto…) ni yaad aav gai 🙏🏻

    Aaswad saras sir ji.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment