અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.
ન્હાનાલાલ કવિ

(પગલાં નથી પડતાં) – હરીશ ઠક્કર

સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.

પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

જ્યારે પડે ત્યારે પડે, હમણા નથી પડતા;
કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.

એ રાહના રાહી જ વિખૂટા નથી પડતા,
જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.

‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.

દિલ ‘ના’ કહે એ કામ હું કરતો નથી કયારેય,
તેથી મને તકદીરના ફટકા નથી પડતા.

આંબાને સહન કરવા પડે ઘાવ પરંતુ,
બાવળની ઉપર કોઈ દિ’ પથરા નથી પડતા.

આજેય મળે છે તો હસીને જ મળે છે,
કરવામાં પરેશાન એ પાછા નથી પડતા.

– હરીશ ઠક્કર

મુક્ત આકારાંત કાફિયા સાથેના ચાર મત્લા અને ચાર શેરની માતબર ગઝલ. જિંદગીભર કોઈના સિક્કા પડતા નહીં હોવાની વાત કરતા કવિની ગઝલના એક્કેએક શેર સિક્કાની જેમ રણકે એવા મજાના થયા છે. બીજાંઓના પગેરું દબાવવાની અથવા બીજાંઓએ કંડારેલી કેડી પર ચાલવાની ટેવ પડી ગઈ હોવાથી માણસજાત સાચી દિશા પામી શકતી ન હોવાની વાત કરતો બીજો શેર હાંસિલે-ગઝલ થયો છે. બીજાં પંખીઓને અનુસરતાં ન હોવાથી જ પંખીઓ કદી આકાશમાં ભૂલાં પડતાં નથી. કેવી સરસ વાત! વીસમી સદીના પ્રારંભકાળે અલ્પજ્ઞાત કવિ શ્રી રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’એ પણ આવો જ સવાલ પોતાના ગીતમાં કર્યો હતો: ‘સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે, ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?’ તકદીર અને તકલીફમાંથી તક શોધી કાઢવાની શબ્દ રમત પણ કાબિલે-દાદ થઈ છે.

25 Comments »

  1. pragnajuvyas said,

    June 24, 2022 @ 7:25 AM

    હરીશ ઠક્કરની તકલીફમાંથી તક શોધી કાઢવાની સુંદર પ્રેરણદાયી વાતની મસ્ત ગઝલ અને
    તેવો જ સ રસ ડૉ વિવેકનો આસ્વાદ
    સાચું કહું? સપનાં કદી સાચાં નથી પડતાં,
    પણ, જાગતાં જોયાં હો તો ખોટાં નથી પડતાં.
    મસ્ત મત્લા -ઘણાએ અનુભવેલી વાત !
    મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું.માણસને કેવાં સપનાં આવે છે એનો ઘણો બધો આધાર એના વ્યક્તિત્વ અને એની વિચારસરણી પર.
    પંખીની વાતે
    ‘કાશ મેરા ભી એક પિંજરા હોતા
    કમ સે કમ ખાને કો તો મિલ જાતા…!’
    શબ્દના સ્વામીઓ કોઈનીયે સાડાબારી રાખતા નથી. એ હંમેશાં મુક્ત ગગનમાં વિહરનાર આત્માઓ હોય છે. પરિણામે આ ખુમારીની કિંમત તેમને અભાવો દ્વારા ચૂકવવી પડતી હોય છે.
    તકલીફ એકલી નથી આવતી પહેલાં બે અક્ષર ધ્યાનથી વાંચો તક પણ સાથે જ આવે છે . તકલીફમાંથી તક ઝડપી લો વાત ઘણી ગમી.
    મક્તાના શેરમા યાદ આવે કહેવત-‘હસતો પુરુષ અને રડતી રાંડનો ભરોસો નહીં’ ત્યારે બીજી તરફ
    રમુજમા –પરેશાન કરો પણ હસતા હસતા…

  2. Kajal kanjiya said,

    June 24, 2022 @ 11:23 AM

    વાહહ

  3. સુષમ પોળ said,

    June 24, 2022 @ 11:28 AM

    વાહ! ખૂબ સુંદર રચના

  4. Mayur Koladiya said,

    June 24, 2022 @ 11:34 AM

    વાહ! ગમતી રચના….

  5. કમલેશ શુક્લ said,

    June 24, 2022 @ 11:35 AM

    સાદ્યંત સુંદર ગઝલ.

  6. કિશોર બારોટ said,

    June 24, 2022 @ 11:45 AM

    તકદીર, તકલીફ,
    ભાષાકર્મ 👌

  7. Varij Luhar said,

    June 24, 2022 @ 1:15 PM

    વાહ.. સરસ ગઝલ અને આસ્વાદ

  8. જય કાંટવાલા said,

    June 24, 2022 @ 1:54 PM

    વાહ વાહ

  9. Madhusudan Patel said,

    June 24, 2022 @ 2:10 PM

    ખૂબ સરસ

  10. Bhupendra Bachkaniwala said,

    June 24, 2022 @ 2:28 PM

    બહુજ સરસ રચના મગજ માં સોંસરવી લાગે evi

  11. Poonam said,

    June 24, 2022 @ 4:11 PM

    પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં,
    તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં… વાહ !
    – હરીશ ઠક્કર –

    Aasawad 👌🏻

  12. Neha said,

    June 24, 2022 @ 4:40 PM

    તક, તકદીર અને તકલીફનો જવાબ નહીં.. વાહ વાહ. સરસ કૃતિ.

  13. હીના પંડ્યા said,

    June 24, 2022 @ 5:38 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ… તકલીફ, તકદીર વાળો શેર ખૂબ ગમ્યો

  14. Pragna vashi said,

    June 24, 2022 @ 7:03 PM

    હરીશભાઈની ખૂબ જ સરસ ઉત્તમ ગઝલ
    એકે એક શેર, એક એકથી ચડિયાતા બન્યાં છે.
    મને એમની તમામ ગઝલો ખૂબ જ ગમે છે .
    સરળ તેમજ સાહજિક શૈલીમાં એ એમનાં દાવા દલીલ
    મુકી ગઝલને એક ઉંચાઈ પર લઈ જાય છે.
    કવિને ખૂબ ખૂબ અભિનંદન .
    એમનાં આ કાવ્યસંગ્રહને હદયપૂર્વક આવકારું છું.
    ગઝલ ક્ષેત્રે એક સબળ ગઝલકાર આપણને મળ્યાં છે.

    એ નિર્વિવાદ છે.
    જય હો ગઝલનો અને ગઝલકારો.
    પ્રજ્ઞા વશી, સુરત

  15. DR. SEJAL BHAVESH DESAI said,

    June 24, 2022 @ 8:11 PM

    વાહ..ખૂબ સરસ ગઝલ…પંખીના કદી પગલાં નથી પડતા…ખૂબ સરસ …

  16. રિયાઝ લાંગડા (મહુવા) said,

    June 24, 2022 @ 11:28 PM

    વાહ…👌👌

  17. જયેન્દ્ર ઠાકર said,

    June 25, 2022 @ 8:20 AM

    ‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
    તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.
    લાજવાબ શેર અને ગઝલ પણ! કવિને ખુબ ખુબ કહેવું છે અને તે માટે તે ‘તક’ ઉભી કરતા જ જય છે! ધણીને જેમ ઢાકણીંમાં સુજે તેમ કવિને ‘તક’ બધે જ દેખાય છે….પછી ભલે તકલાદી હોય, પણ ‘તક’ એમાં પણ છે!!

  18. ગિરીશ પોપટ 'ગુમાન' said,

    June 25, 2022 @ 8:34 AM

    વાહ….વાહ….
    ખૂબ જ સરસ ગઝલ

  19. હરીશ દાસાણી.મુંબઈ said,

    June 25, 2022 @ 9:13 AM

    ખૂબ સરસ ગઝલ

  20. DILIPKUMAR CHAVDA said,

    June 25, 2022 @ 1:39 PM

    ‘તક’દીરમાં તક છે જ, તું ‘તક’લીફમાં તક શોધ,
    તકલીફમાં તક શોધે એ પાછા નથી પડતા.
    ક્યા બાત હે કવિ, સરળ બાનીમાં ઉચ્ચ ગઝલ બધાં જ શેર મોજ કરાવે છે.. પણ મને ઉપરનો જરા વધારે ગમી ગયો, શબ્દોની રમત કરી ઉચ્ચ કોટિના શેર ઉપજાવા તો સર કોઈ આપશે સિખે..

    વાહ વાહ વાહ

  21. Rohit Kapadia said,

    June 25, 2022 @ 8:12 PM

    ખૂબ જ સુંદર રચના. તકદીર અને તકલીફ માં છુપાયેલી તક અને આંબા તથા બાવળની તુલના સાચે જ મનન લાયક. ધન્યવાદ.

  22. Vineschandra Chhotai 🕉 9 said,

    June 27, 2022 @ 9:06 PM

    વાહ વાહ વાહ
    હરીશભાઈ

    આજે મળે છે હસીને મળે છે

    કેવી સરસ ભેદ ભરી વાત

    આભારી છું તમારા શબ્દો

  23. AMIT LANGALIA said,

    July 2, 2022 @ 7:58 PM

    ADBHUT…A TRUE FACT..REALLY AMAZING…KHUB SUNDAR RACHNA

  24. Dr Harish Thakkar said,

    July 6, 2022 @ 10:03 AM

    ડૉ. વિવેકભાઇનો તથા પ્રતિસાદ આપનાર સૌ મિત્રોનો આભાર

  25. લયસ્તરો » સાંજ પડી – રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’ said,

    March 29, 2024 @ 12:18 PM

    […] વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથ…’ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment