ખાલીપો લઈને ‘રાઝ’ હું દુનિયાથી જાઉં છું
શાનો થશે હિસાબ, મને એ ખબર નથી.
રાઝ નવસારવી

એક ગામ – હર્ષદ ચંદારાણા

ફૂલો ઉપર ફૂલો ખડકી બાંધ્યું છે એક ગામ
વસ્તીમાં તો એક જ જણ કે સુગંધ જેનું નામ

ઝાકળનાં ટીપેટીપામાં સૂરજ સૂરજ થાય
પીગળી જાતી અંધકારની પથ્થર જેવી કાય

સીમ દીમના રસ્તા વરસે ગમ્મે ત્યારે આવી
ખોબે ખોબે મર્મર ઢોળે વનવગડેથી લાવી

સમી સાંજરે દશે દિશાથી હવા ઉઠાવી આવે
ચૂંટી-ચૂંટીને બાગબાગના સમાચાર લઈ આવે

રાત પડે ને રાસે રમતાં દેહ વગરનાં નામ
અને ઢોલના તાલે અઢળક હિલ્લોળાતું ગામ

– હર્ષદ ચંદારાણા

બબ્બે પંક્તિઓની પ્રાસસાંકળીના હિંચકે લય હિલ્લોળતું મજાનું ગીત. ગીતના પ્રથમ બંધનું કલ્પન જ કેવું પ્રસન્નકર છે! ઢગલાબંધ ફૂલોના સમૂહને કવિએ ગામનું નામ દીધું છે અને ફૂલો પર ફૂલો ખડકાતાં રચાયેલ આ ગામમાં એક જ જણની વસ્તી છે અને તે છે સુગંધ, આવા મજાના હલકાફુલકા પ્રકૃતિકાવ્યોએ જ ગુજરાતી કવિતાને મઘમઘતી રાખી છે.

(સીમ દીમના=સીમ તરફના)

6 Comments »

  1. દક્ષા સંઘવી said,

    August 31, 2024 @ 1:15 PM

    વાહ સરસ રચના. સમી સાંજરે , સીમ દીમના ની
    તાજગી પણ ફુૂલો જેવી જ

  2. Neela sanghavi said,

    August 31, 2024 @ 3:26 PM

    સરસ રચના.

  3. Pinki said,

    August 31, 2024 @ 3:38 PM

    વાહ… કુદરતી દ્રશ્યોના અદ્ભૂત શબ્દ ચિત્રો સર્જાયા છે !!
    ફૂલોની તાજી ખુશ્બુ જેવી તાજગી સભર ગઝલ !!

  4. Vinod Manek 'Chatak' said,

    August 31, 2024 @ 6:47 PM

    સરસ પ્રાસ સાંકળી સાથે… સુન્દર પ્રકૃતિ ગીત

  5. Dhruti Modi said,

    September 3, 2024 @ 3:25 AM

    નાજુક નમણું ગીત જે મન અને હ્રદયને પ્રેમથી ભરી દે છે.
    ફૂલો પર ફૂલો ખડકી જે ગામ બન્યું હોય ત્યાં સુગંધ સિવાય બીજા કોઈનું નિવાસ સ્થાનની કલ્પના જના થાય !

    રાત પડેને દેરાસર રમતાં દેહ વેગરનાં નામ
    અને ઢોલના તાલે અઢળક હિલ્લોળતું ગામ !

    ફૂલોના ગામમાં રાસે રમવું કોને ના ગમે ?

    અને હા ! સાંકળીથી બંધાયેલી રચના મનભાવન છે !

  6. નિલમ રૉય said,

    September 6, 2024 @ 1:50 PM

    સુંદર કલ્પનની સલૂણી રચના👍🎀🙏

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment