એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

જંગલ ઝોલા ખાય – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલા ખાય…

નરસીં મેતે ભાર ષકટનો
.             જેના શિરે દીધો,
પરસેવાથી લથબથ કૂતરે
.             ઠામૂકો જશ લીધો.

નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

દીવાસળીના ડીંટે અગની
.             સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
.             નથી કોઈને નેઠો.

સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?

ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.

(નેવકો= સમૂળગો, સાવ; નેઠો= ભાન)

8 Comments »

  1. Varij Luhar said,

    April 5, 2024 @ 11:31 AM

    વાહ.. ખૂબ સરસ

  2. દક્ષા સંઘવી said,

    April 5, 2024 @ 1:16 PM

    ગૂઢાર્થ ની વાત ને સાવ નોંખા પ્રતીકો કલ્પનો થી સુંદર રીતે રજુ કરી

  3. Poonam said,

    April 6, 2024 @ 5:45 PM

    દીવાસળીના ડીંટે અગની સાવે સૂનમૂન બેઠો,
    સમજણની પટ્ટી પર ઘસવા નથી કોઈને નેઠો.
    – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ – સરસ

    Aaswad mast 👍🏻

  4. Jayant vyas said,

    April 7, 2024 @ 2:05 PM

    Khub sundar rite raju thayelu Geeta..

  5. Yogesh pandya said,

    April 7, 2024 @ 2:17 PM

    અદ્ભૂત ગીત રચના..
    સૃષ્ટિ નું નૂતન અને નવલું રૂપ!

    પવનને કવિએ અદ્ભૂત લાડ લડાવ્યા છે.
    ગ્રામ્ય પરિવેશ ને જીવંત કરી દીધો.

    અભિનંદન અને રાજીપો..💐

  6. Ashwin Jansari said,

    April 7, 2024 @ 2:55 PM

    ,સરળ ભાષા પણ talpada શબ્દો ma રજૂઆત.
    અભિનંદન bhratbhai

  7. Manish sevak said,

    April 7, 2024 @ 6:48 PM

    ખૂબ સુંદર પ્રસ્તુતિ સર

  8. Minalba said,

    April 7, 2024 @ 7:31 PM

    Vah saheb

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment