હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત જોશી

ભરત જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જંગલ ઝોલા ખાય – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલા ખાય…

નરસીં મેતે ભાર ષકટનો
.             જેના શિરે દીધો,
પરસેવાથી લથબથ કૂતરે
.             ઠામૂકો જશ લીધો.

નીર નદીમાં હોય નહીં ને ગામ તણાઈ જાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

દીવાસળીના ડીંટે અગની
.             સાવે સૂનમૂન બેઠો,
સમજણની પટ્ટી પર ઘસવા
.             નથી કોઈને નેઠો.

સાવ તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય…
પવન નેવકો થીર હોય ને જંગલ ઝોલાં ખાય…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

દેખીતા વિરોધાભાસનું ગીત. ગીતનો ઉપાડ જ અનિવાર્ય કારણના લોપથી થાય છે. પવન સાવ જ સ્થિર હોય ત્યારે જંગલના ઝાડપાન કઈ રીતે ઝોલાં ખાઈ શકે? પણ અહીં એવું કૌતુક કવિએ સર્જ્યું છે. ષકટનો ભાર શ્વાન તાણે કહેવતને આપણા આદિ કવિ નરસિંહ મહેતા સાથે સાંકળીને કવિએ હાથ કંગન કો આરસી ક્યા જેવો આ સ્વયંસ્પષ્ટ વિરોધાભાસ આજકાલનો નહીં પણ પરાપૂર્વથી ચાલતો આવ્યો હોવાની વાતને પણ અધોરેખિત કરી બતાવી છે. વા વાયો ને નળિયું ખસ્યું જેવી વાતમાં આખું ગામ તણાઈ જાય ને તણખલાં જેવી વાતે ભારે ભડકો થાય એ વક્રતા પણ કવિએ ભારોભાર વ્યંગ સાથે રજૂ કરી છે. દીવાસળીના પોટાશમાં ભારેલો અગ્નિ બેઠો જ છે, પણ સમજણની પટ્ટી ઉપર એને ઘસવામાં આવે તો અજવાળું થાય અને પ્રકાશ રેલાય. પણ એટલું ભાન હવે કોનામાં બચ્યું છે?

ખેર, આ તો થઈ કવિએ ગીતમાં શું પીરસ્યું છે એની વાત. ગીત કેવી રીતે પીરસાયું છે એ તરફ પણ ધ્યાન દેવા જેવું છે. લયની પ્રવાહિતા સિવાય ગીતની બાની અને શબ્દપસંદગી પણ કાબિલે-દાદ છે. બહુ ઓછા કવિઓ તળપદી બોલી આટલી પ્રભાવકતાથી પ્રયોજી શકે છે.

(નેવકો= સમૂળગો, સાવ; નેઠો= ભાન)

Comments (9)

યુગલ ગીત – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…

કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…

ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે

સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…

કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું

મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.

Comments (11)

મોજ પડે તો – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…

નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…

વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…

કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.

Comments (4)

ઝરણું બોલ્યું – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ
ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.

અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,
ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.

અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવું
ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.

અમે કહ્યું કે અટકી જઈશું એવી બીક સતાવે
ઝરણાએ મલકીને કીધું કરશું મઝા તળાવે.

અમે કહ્યું કે ઝરણાં તારી વાતોમાં છે દમ
ઝરણું કંઈ ન બોલ્યું તે તો વહ્યા કર્યું હરદમ.

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

અહાહા! કેવું અદભુત પોઝિટિવ ગીત!! ઝરણાં જેવો જ ખળખળ લય. ગીત વિશે બીજી કંઈપણ ટિપ્પણી કરવું એ તો હાથ કંગનને આરસી બતાવવા જેવું છે. પણ ઝરણાની બોલી પર ધ્યાન આપવા જેવું છે. પહેલા બંધમાં ઝરણું બોલે છે, બીજામાં હસતાં-હસતાં બોલે છે, ત્રીજા બંધમાં એ ગાવા માંડે છે, ચોથામાં ફક્ત મલકીને જ રહી જાય છે અને આખરી બંધમાં કંઈ જ ન બોલીને વહેતું રહે છે… ઝરણાની બોલીની આ ગતિ મૂળ કવિતાની સમાંતર ચાલતી બીજી કવિતા જ છે જાણે!

Comments (4)