અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
દિલહર સંઘવી

યુગલ ગીત – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

તમે નથી ઝાકળનાં ટીપાં
તમે અમારા દરિયા
સજની! અમે ભીતરમાં ભરિયા…

કમળફૂલની સૌરભ જેવાં
અજવાળાં પાથરિયાં
રસિયા! ભીતર તમે ઊતરિયા…

ફરફરતા મખમલી પવનમાં કેશ ઘટાઓ ફરકે
પાંપણની પરસાળે સજની! ટપટપ નીંદર ટપકે

સપનામાં સંતાઈ જઈને
મધરાતે પરહરિયા
રસિયા! કીકીમાં તરવરિયા…

કળીએ કળીએ ચાંદલિયાનું રેશમિયું જળ ઓઢ્યું
સરવરના તળિયે જઈ રસિયા! મૌન રૂપાળું પોઢ્યું

મેઘધનુની ચૂંદડી ઓઢી
અચરજ શું ઝરમરિયા
સજની! ઝાકળમાં અવતરિયા…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મજાનું યુગલ ગીત. દરેક બંધમાં આવતા ‘રસિયા’ અને ‘સજની’ના સંબોધનને લઈને કોણ કોને સંબોધી રહ્યું છે એ તુર્ત જ સમજાય છે. પ્રેમી માટે એની પ્રેયસી ઝાકળના ટીપાં જેવી સીમિત નહીં, પણ દરિયા (તેય બહુવચનમાં, હં કે!) સમી અસીમ અનંત છે, જેને પ્રેમીએ પોતાની ભીતર સમાવ્યા છે. તો સામા પક્ષે સજની પણ રસિયાને ઠેઠ પોતાની ભીતર વસતો અનુભવે છે, અને એનું ભીતર રસિયાએ પાથરેલ સુગંધના અજવાળાંથી જ વળી રોશન થયું છે. આખું ગીત બહુ મજાનું થયું છે. બે જણ વચ્ચેનો સમ-વાદ અને એકમેકને મોટા કરવાની ચેષ્ટામાંથી પ્રણયની તીવ્રતર અનુભૂતિ જન્મે છે, જે આપણને ગીત વાંચતાવેંત સ્પર્શી જાય છે.

11 Comments »

  1. બાબુ સંગાડા said,

    March 1, 2024 @ 8:52 AM

    સરસ ગીત રચના ને આસ્વાદ પણ સુંદર રીતે કર્યો
    અભિનંદન

  2. ભરત જોશી પાર્થ મહાબાહુ said,

    March 1, 2024 @ 10:34 AM

    આ ગીત શ્રી રાસબિહારી દેસાઇની પ્રેરણાથી નારગોલ મુકામે લખાયું છે. તેમણે એવું કહેલું કે ગુજરાતી કવિઓ યુગલ ગીત નથી લખતા તેથી તેમણે કોઈપણ ગીતને યુગલગીત બનાવવા પડે છે. આ ગીત તેનો સત્વર પ્રત્યુત્તર હતો.
    તમે સરસ નોંધ કરી. આભાર 🌹

  3. મીનાક્ષીબેન સોની said,

    March 1, 2024 @ 2:21 PM

    સરસ ગીત દરિયાની વિશાલતા….કુદરતી તત્વની ઉપમા….ખૂબ જ સરસ

  4. Varij Luhar said,

    March 1, 2024 @ 3:05 PM

    વાહ. સરસ ગીત અને આસ્વાદ

  5. Mukesh Mehta said,

    March 1, 2024 @ 3:15 PM

    બહુ સરસ.

  6. Mukesh Mehta said,

    March 1, 2024 @ 3:17 PM

    બહુ સરસ

  7. ભદ્રાયુ said,

    March 1, 2024 @ 4:58 PM

    પાર્થ પ્રિય બાહુ છે,,તેઓ સહજ માર્ગે પ્રેમાનુભુતિ કરતા મજેદાર માણસ છે,,તેઓનો વિટી મૂડ પણ માણેબ્લ છે.

  8. ચિંતન પંડ્યા said,

    March 1, 2024 @ 8:53 PM

    મસ્ત ગીત……
    યુગલ ગાન માટે ભાવસભર….

  9. Manish Patel ZCAD said,

    March 3, 2024 @ 4:02 PM

    ખૂબ જ સરસ.

  10. અલ્પેશ ચૌહાણ said,

    March 8, 2024 @ 7:45 AM

    રસિયા! કીકીમાં તરવરિયા…
    ખરેખર તરવરતું ગીત…

  11. Poonam said,

    March 15, 2024 @ 8:58 AM

    તમે નથી ઝાકળનાં ટીપાં
    તમે અમારા દરિયા
    સજની! અમે ભીતરમાં ભરિયા…
    – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’ – Mast !

    Aaswad 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment