રહેવા દીધું ક્યાં અણદીઠું કંઈ ગૂગલે?
ઘટમાં તો બાકી લાખ ઘોડા થનગને.
- વિવેક મનહર ટેલર

મોજ પડે તો – ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

મોજ પડે તો ગાવું…
મન મારીને મનમાં શાને નાહકના મૂંઝાવું…

નદી ખળળખળ વહેતી ખુદની મોજે
દરિયો ઊછળે એમ ઊછળવું રોજે

હવા સરકતી હોય સહજ બસ એમ સરકતા જાવું…
મોજ પડે તો ગાવું…

વૃક્ષ વિકસતું મનગમતા આકારે
એમ વિકસવું પોતાના આધારે

પડી ગયેલા ચીલે ચાલી શીદને બીબું થાવું…
મોજ પડે તો ગાવું…

– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’

લયસ્તરો પર કવિના ગીતસંગ્રહ ‘ઝાકળનાં ટીપાં’નું સહૃદય સ્વાગત છે…

કવિતામાં સરળતાથી વધુ લપસણું કદાચ બીજું કશું નથી. સરળતમ ભાષામાં કાવ્ય સિદ્ધ કરવું સૌથી વધુ દોહ્યલું છે. પણ, આ રચના જુઓ, અતિસરળ ભાષા અને એકદમ સહજ દાખલાઓની મદદથી કવિ નાચતા-ગાતા આપણને ભાર વિનાનો જીવનબોધ કેવી સાહજિકતાથી આપે છે! આપણે શું કરીએ છીએ એ નહીં, પણ જે કરીએ છીએ એમાં મોજ પડે છે કે નહીં એ અગત્યનું છે. નદી હોય કે દરિયો, હવા હોય કે વૃક્ષ – દરેક પોતાની મસ્તીના રાજા છે. કોઈ બીજાને જોઈને પોતાના નિત્યક્રમ બદલતું નથી.

4 Comments »

  1. Barin said,

    January 6, 2024 @ 10:23 AM

    સુંદર ગીત આપે કીધું એમ સાવ સરળ શબ્દો માં સીધી કામ ની વાત કહેવાઇ છે
    અભિનંદન કવિ ને નવા કાવ્ય સંગ્રહ માટે

  2. કિશોર બારોટ said,

    January 6, 2024 @ 10:30 AM

    સુંદર ગીત. 👌

  3. Bharat Joshi 'Parth Mahabahu ' said,

    January 12, 2024 @ 11:25 AM

    તમને ગીત ગમ્યું અને તેને લયસ્તરોમાં સમાવ્યું તે મને ગમ્યું.
    તમે મારા ગીતની ખૂબ સારી ઓળખ કરાવી. હું તો સાહજિક રીતે લખી નાખું છું. આ ગીત ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાર્થના દરમિયાન આવેલું તેવું મને યાદ આવે છે. કદાચ પ્રાર્થનાના માહોલનો પ્રભાવ હશે. તમારો આભાર🙏

  4. વિવેક said,

    January 12, 2024 @ 12:15 PM

    ખૂબ ખૂબ આભાર મિત્રો…

    સવિશેષ આભાર, ભરતભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment