હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
તમારી ડાયરીમાં કોરું પાનું છે ?
કિરણ ચૌહાણ

કાગળ લખીએ – રાજેન્દ્ર મહેરા ‘રાજ’

ચાલ સખી રે કોરેકોરો
અમથે અમથો કાગળ લખીએ,
શ્રાવણનાં સરવરિયાં ઝીલી
ઝરમર ઝરમર વાદળ લખીએ.
.                       … ચાલ સખી રે…

દૂર દૂર ગરમાળે બેસી,
પ્રેમ સરોવર પાળે બેસી;
ઊતરતાં અંધારાં ઓઢી
યાદોને અજવાળે બેસી.
કો’ક સવારે, ધુમ્મસ ઓથે
કાલુંઘેલું ઝાકળ લખીએ
.                       … ચાલ સખી રે…

સૂનાં ખેતર, સૂનો વગડો
સૂની વનની કેડી લખીએ,
સૂનાં ફળિયાં, સૂનો ડેલો
સૂની મનની મેડી લખીએ.
આંખ ચૂવે ઝીણા મૂંઝારે
ભીનું ભીનું કાજળ લખીએ.
.                       … ચાલ સખી રે…

– રાજેન્દ્ર મહેરા ‘રાજ’

કવિનું નામ પહેલવહેલીવાર સાંભળ્યું, પણ ગીત વાંચતાવેંત મનમાં વસી ગયું. સરળતમ બાની, પ્રવાહી લય અને રસાયેલ લાગણીઓની સહજાભિવ્યક્તિના કારણે ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. મનના માણીગરને દિલનો હાલ લખી મોકલવાની ઝંખામાંથી ગીત જન્મ્યું છે, પણ પ્રણયમાં સ્ત્રીસહજ સંકોચ પ્રારંભથી જ વર્તાય છે. કાગળ તો લખવો છે, પણ કોરેકોરો અને અમથે અમથો. કોરો કાગળ વાંચી શકે એ જ સાચો પ્રેમ. જીવનમાં તો અભાવનાં અંધારાં ઊતરી આવ્યાં છે. આવામાં કશાનું અજવાળું હોય તો તે કેવળ યાદોનું જ. ખેતર-વગડાથી લઈને મનની મેડી સુધી બધે જ સૂનકાર પ્રવર્તે છે. હૃદય ઝીણો ઝીણો મૂંઝારો અનુભવે છે ને આંખો ચૂઈ રહી છે, કાજળ વહી રહ્યું છે તો ભીનાં ભીનાં કાજળથી જ પ્રેમપત્ર લખીએ ને!

6 Comments »

  1. Anil Vala said,

    March 28, 2024 @ 11:37 AM

    સારું ગીત

  2. kishor Barot said,

    March 28, 2024 @ 2:29 PM

    વિવેક ભાઈ, આપ સાચા ઝવેરી છો. સોશ્યલ મીડિયા પર ઠલવતાતાં ઢગલાબંધ કચરામાંથી સાચા હીરાં શોધીને અમને આપો છો. ઉત્તમ કાર્ય. 👌

  3. રાજેન્દ્ર મહેરા said,

    March 28, 2024 @ 6:03 PM

    આભાર સાહેબ, તમે ગીતના ભાવને બખૂબી પકડ્યો છે એનો આનંદ..કોઈ પણ પ્રકારના પરિચય કે પ્રયત્ન વિના ફક્ત કૃતિને પોંખવાની આપની કાર્યશૈલીને નમન.🙏

  4. રાજેન્દ્ર મહેરા said,

    March 28, 2024 @ 6:08 PM

    આભાર સાહેબ, તમે ગીતના ભાવને બખૂબી પકડ્યો છે એનો આનંદ..કોઈ પણ પ્રકારના મારા પરિચય કે પ્રયત્ન વિના ફક્ત કૃતિને પોંખવાની આપની કાર્યશૈલીને નમન.

  5. Kiran Jogidas said,

    March 28, 2024 @ 9:04 PM

    ખૂબ મજાનું ગીત

  6. Dr Sejal Desai said,

    April 8, 2024 @ 4:22 PM

    વાહ ખૂબ સરસ ગીત….ઊતરતા અંધારા ઓઢી,યાદોને અજવાળે બેસી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment