કોણ રતિના રાગે? – નિરંજન ભગત
કોણ રતિના રાગે,
રે મન મન્મથ જેવું જાગે?
જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;
એ અવ શિશિરશયનથી
જાગે વસંતના વરણાગે!
એના શ્વાસેશ્વાસે
વાગે મલયાનિલની વાંસળીઓ,
એના હાસવિલાસે
જાગે કેસૂડાની કૈં કળીઓ;
રે વન નન્દનવન શું લાગે!
– નિરંજન ભગત
પોતાનો તપોભંગ કરાવવા બદલ શંકર ભગવાને કામદેવને રુદ્ર નયનથી ભસ્મીભૂત કરી નાંખ્યો હતો. પણ પછી વિલાપે ચડેલ કામદેવની પત્ની રતિને એમણે સાંત્વના આપી હતી કે સદેહ ન સહી, પણ કામદેવ અનંગ રૂપે સમગ્ર ચૈતન્ય સૃષ્ટિમાં સદાકાળ વ્યાપ્ત રહેશે. કહે છે કે આ દિવસ વસંતપંચમીનો દિવસ હતો. વસંતપંચમી એટલે ઋતુચક્રનું શિશિરથી ગ્રીષ્મ પ્રતિનું પ્રયાણ. આમ તો આ વાતથી લયસ્તરોના મોટાભાગના સુજ્ઞ વાચકો અભિજ્ઞ જ હશે, પણ આટલી પૂર્વભૂમિકા પ્રસ્તુત રચનાને માણતા પૂર્વે જરૂરી છે.
વસંત ઋતુના પ્રારંભે સજીવમાત્રમાં આવિર્ભાવ પામતી પ્રણયોર્મિનું આ ગાન છે. રાગ શબ્દનો શ્લેષ નોંધવા જેવો છે. રાગ એટલે કંઠમાધુર્ય પણ અને પ્રેમ પણ. રતિના ગીતથી અથવા રતિ માટેના સ્નેહને વશ થઈ મન કામદેવની જેમ જાગૃત થાય છે. સાવ ટૂંકા મુખડાની બે પંક્તિઓમાં ર, મ અને જની ત્રિવિધ વર્ણસગાઈ ચુસ્ત પ્રાસનિયોજનાના કારણે કાવ્યારંભે જ મન મોહી લે છે. વસંતના ભપકાના કારણે શીતનિદ્રાલીન મન દેવહૂમા પક્ષીની જેમ પુનર્જીવન પામ્યું હોય એમ જાગે છે. વસંતનો પ્રભાવ જ એવો છે કે એકેએક શ્વાસ વાંસળી વાગતી હોય એવો પ્રતીત થાય છે. ઝાડમાં થઈને ફૂંકાતા પવનનું સંગીત વસંતઋતુનો શ્વાસ છે. વસંતના મૃદુ હાસથી કેસૂડાની અનેકાનેક કળીઓ ખીલી ઊઠે છે અને વન નંદનવન સમું લાગે છે. પ્રથમ બંધની પૂરકપંક્તિને કવિએ મુખડાના પ્રાસ સાથે આદ્યંતે એમ ઉભય સ્થાને બાંધી હોવાથી અષ્ટકલનો લય વધુ લવચિક બન્યો છે, પણ બીજા બંધમાં તો કવિએ હદ જ કરી છે. શ્વાસ-હાસ-વિલાસ, વાંસળીઓ-કળીઓ અને વાગે-જાગેના ત્રિવિધ પ્રાસમાં વન સાથે નંદન અને વનના ધ્વન્યાનુપ્રાસ તથા કેસૂડા-કૈં-કળીઓના વર્ણાનુપ્રાસ મેળવીને કવિએ બાહોશ કવિકર્મની સાહેદી પૂરી છે.
Hema Mehta said,
July 19, 2024 @ 12:19 PM
જેવી શ્રૃંગારરસ સભર અનેરી રચના તેવો જ
સુંદર કાવ્યનો રસાસ્વાદ 🙏🏻
Devendra Shah said,
July 19, 2024 @ 1:18 PM
💐💐પ્રભુ, સરસ પ્રસાદ આભાર, પ્રણામ, પ્રભુ મારી દૃષ્ટિએ જે ભસ્મીભૂત, મૃત થયેલ છે કલ્પનામાં કે જે મારવાના વાંકે જીવે છે તે પણ આ વસંત નાં આગમને જાગી જાય કદાચ તેમ કવિ શ્રીનું કહેવું હોય, આભાર, પ્રણામ.💐💐
Mita mewada said,
July 19, 2024 @ 2:08 PM
કાવ્ય સરસ
આસ્વાદ એથી પણ વધુ સરસ
જગદીપ said,
July 19, 2024 @ 11:59 PM
મને આસ્વાદ વધુ ગમ્યો…
ઢીંમર દિવેન said,
July 20, 2024 @ 7:27 AM
આસ્વાદ્ય અનુપમ કાવ્યતત્વ ને સમજવા માટે…
SURESH HATHIWALA said,
July 28, 2024 @ 10:01 AM
This poem and critique remind me of:
-Sundaram’s poem “Te ramya Ratre…” which you had discussed in 2015. This poem was the discussed by Prof Dr Suresh Joshi as the last one of syllabus and he called it “Amrut Kolio” -sorry, I forgot how to bring up Gujarati font.
– https://en.wikipedia.org/wiki/Cupid_and_Psyche : it is a very interesting story from Greek (eventually from Roman, too) mythology My favorite is https://en.wikipedia.org/wiki/Psyche_Revived_by_Cupid%27s_Kiss#/media/File:0_Psych%C3%A9_ranim%C3%A9e_par_le_baiser_de_l'Amour_-_Canova_-_Louvre_1.JPG
Keep enriching us.
વિવેક said,
August 1, 2024 @ 3:51 PM
સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર
Poonam said,
September 5, 2024 @ 6:38 PM
રે વન નન્દનવન શું લાગે!
– નિરંજન ભગત –
Kavya sundar ne Aaswad ethi pan vadhu !