કૂંપળ ફૂટું ફૂટું થાતી જોઈને
પીળા પાને વાર ન કીધી ખરવામાં
– શબનમ ખોજા

કયાંથી મળીએ! – હર્ષદ ચંદારાણા

તું નીચે વ્હેતી નદી, હું ઊંચો ભેખડ કાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઝિલમિલ ઝિલમિલ રમે, અધરે ઉમટયા કરતું સ્મિત
હું નહીં ગવાતું રે, કંઠે રુંધાયેલું ગીત
તું હૃદય ઊછળતી ઉષ્મા, હું નહિ છૂટેલી ગાંઠો
સખી રે, કયાંથી મળીએ!

તું ઊભી રહે નહિ પળભર, વાણીમાં વહેતો અક્ષર
હું વહી શકું નહિ સ્હેજે, છું પૂર્ણ વિરામનો પથ્થર
તું રજત-પાત્રમાં શાહી, હું કલમનો તૂટયો સાંઠો
સખી રે, કયાંથી મળીએ!

– હર્ષદ ચંદારાણા

કેટલીક રચનાઓ અંતરની અનુભૂતિમાંથી સીધેસીધી અક્ષરદેહ ધારણ કરી અવતરતી હોય છે. પ્રસ્તુત ગીત એવી જ એક રચના છે. રાત અને દિવસ જેમ એકમેકને કદી મળી શકતા નથી એ જ રીતે ક્યારેક જીવનમાં કોઈક સંબંધ એવોય આવે છે કે પારાવાર લાગણી હોવા છતાં જેના બે છેડા કદી એક કરી ન શકાય. અલગ અલગ પ્રતીકોના ગુંફનથી કવિએ મળવા તલસતા પણ મળી ન શકતા પ્રિયજનોની વેદનાને બખૂબી ધાર કાઢી રજૂ કરી છે. આ રચના વાંચીએ અને કવિ શ્રી વિનોદ જોશીની આ રચના યાદ ન આવે એય સંભવ નથી. અહીં ક્લિક કરો.

3 Comments »

  1. Mitaben Ranchhodsinh Rathod said,

    August 22, 2024 @ 5:52 PM

    અનેક હૃદયોના ભાવ અને લાગણીને વાચા આપતી સુંદર રચના .
    વાંચી ખૂબ આનંદ થયો🌹

  2. Dhruti Modi said,

    August 23, 2024 @ 1:48 AM

    રચના ગમી ! કવિની પ્રિયતમા માટેની સરખામણીમાં પોતાની જાતને નિમ્ન ગણે છે પણ ગીત ગમ્યું ! 👌👌

  3. વિવેક said,

    August 23, 2024 @ 10:59 AM

    @ધૃતિ મોદી:

    પ્રેમમાં સરખામણી સામાન્યતઃ એમ જ ન હોય? સ્વયંને વધુ મહત્ત્વ આપે એ પ્રેમ તો અહંકારનો દ્યોતક ન ગણાય?

    ગનીચાચાએ પણ કહ્યું હતું ને – તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચુંદડી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment