(બોગસ નીકળ્યું) – રક્ષા શુકલ
એક સપનુ સાવ બોગસ નીકળ્યું,
એ પછી આંસુય ચોરસ નીકળ્યું.
કેમ આ દરિયો અચાનક ઊછળે?
આંખનું જળ એમ ધસમસ નીકળ્યું.
શૂન્યતા મહેમાન થઈ આવી ચડી,
કાગડાનું વેણ ફારસ નીકળ્યું.
ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
પાન સાથે બિંબ પણ એનું ખર્યું,
વૃક્ષનું સાક્ષાત્ વારસ નીકળ્યું.
એક ટીપાંએ ભરી મુઠ્ઠી હવાની,
એ નર્યું જળકૃત સાહસ નીકળ્યું.
એમના સ્વરમાં જ સાંભળવું હતું,
ગીત એનું દોસ્ત, કોરસ નીકળ્યું.
– રક્ષા શુકલ
કાગડો બોલે અને મહેમાન આવે એ વાયકા પણ અહીં તો શૂન્યતા પધારે છે. ફારસ કાફિયાનો કેવો સ-રસ પ્રયોગ અહીં થયો છે! સામાને એની ભૂલો બતાવવાની આપણા સૌની આદત છે પણ કવયિત્રીને નખશિખ સાલસ વ્યક્તિનો ભેટો થયો છે એ શેર પણ ખૂબ મજાનો. જળકૃત સાહસ જેવા અનૂઠા પ્રયોગ સાથે કવયિત્રી પાણીનું ટીપું હવાની મુઠ્ઠી ભરે છે એમ કહીને જે રીતે પરપોટાનો સાક્ષાત્કાર કરાવે છે એ પણ અભૂતપૂર્વ છે.
ગઝલનો મત્લા અને વૃક્ષના વારસવાળો શેર મને સમજાયો નહીં. મિત્રો મદદ કરશે તો ગમશે…