ઉનાળો ઊજવીએ – રક્ષા શુક્લ
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
તને જોઈ ઊછરેલા એ ગુલમ્હોરી ઘેલાં વંન ગજવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
પણે ઝૂલતા ગરમાળેથી ચપટી અમથું કેસર લઈ મુઠ્ઠીમાં ભરીએ,
પંચાગે સૂતેલા ફાગણ સાથે ફોરમ-ફોરમ રમતાં કરાર કરીએ.
સૂરજનાં કિરણો પર તારી આંગળિયેથી સરતી શીતળ રાત ચીતરીએ,
ખટ્ટમીઠ્ઠી કેરીના સ્વાદે આવ, સરીને સાકર લઈને પાછા ફરીએ.
માટીમાંથી ઠીબ બની પથરાળા જળને ચાલ, રિઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
ભરબપ્પોરે છાના પગલે લૂ આવી ઘૂમરાતી ઘરની વચ્ચે ગાજે,
ત્યારે તું આવી આંખોથી અમી ભરેલી ઝીણીઝીણી ઝરમર પાજે.
લીલા વનના અડવાણા એ પડછાયાનાં પગલાં જો હાંફીને દાજે,
લંબાવી ત્યાં હાથ બાથમાં બળબળતા પડછાયા તેડી લઈશું આજે.
પાણીપોચાં વાદળ ઓઢી તડકે આપ્યા ઘાવ રુઝવીએ,
આવ, ઉનાળો રોજ ઊજવીએ.
– રક્ષા શુક્લ
લયસ્તરો પર કવયિત્રીના ગીતસંગ્રહ ‘વાલામુઈ વેળા’નું સહૃદય સ્વાગત… કેટલાંક ગીતો અગાઉના સંગ્રહમાંથી અહીં પુનર્મુદ્રિત કરાયાં છે, પણ આપણને તો કવિતાના આનંદ સાથે મતલબ છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ… ઉનાળો તો વર્ષમાં એકવાર આવે, પણ પ્રિયજનનો તાપ એટલે તો જાણે ગરમાળામાંથી જડતું કેસર અને ગુલમહોરની જેમ રંગે-કદે ફૂલેલાં-ફાલેલાં ઘેલાં વન… એટલે ઉનાળો રોજેરોજનો હોય એવી ઝંખના ન થાય તો જ નવાઈ… ઉનાળાની ઋતુના નાનાવિધ કલ્પનોને બારમાસી પોત આપીને માણવાનાં છે એ યાદ રહે…
Raksha Shukla said,
January 2, 2025 @ 2:10 PM
વિવેકભાઈ, આપે કરેલ આસ્વાદ ખૂબ ગમ્યો. મારા ગીત સંગ્રહને આવકાર આપવા માટે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું.
Parbatkumar nayi said,
January 2, 2025 @ 3:13 PM
વાહ
ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
રક્ષાબેન
Anil Vala said,
January 2, 2025 @ 3:50 PM
ખૂબ સરસ રચના
Shailesh Gadhavi said,
January 2, 2025 @ 5:48 PM
સુંદર ગીતનો સુંદર આસ્વાદ…
Varij Luhar said,
January 3, 2025 @ 12:02 PM
વાહ.. સરસ ગીત
મૌલિક બાબા આનંદ પાઠક said,
January 4, 2025 @ 12:12 AM
જય હો 👌🏻👏🏻😊
Raxa H Dave. said,
January 4, 2025 @ 4:44 PM
ગીત સંગ્રહ ગુજરાતી ભાષામાં એક નવી કેડી રચે છે. ગીતોમાં રચાતો લય, રાગિયતા, સંવેદનની સભરતા, સાંકેતિક ભાષા, ઉભરાતા ભાવો પણ કિનારો તોડે નહીં, લાઘવ એ ગીતોનું આકર્ષક તત્વ છે, સ્વરૂપના બંધનો નડતાં નથી, પણ સ્વરુપ ચુસ્તતા એ સર્જકની વિશેષતા છે, સર્જક ગુજરાતી ભાષા સાહિત્યમાં એક આગવો સ્વકીય મુદ્રા લઈને આવે છે. Abhinndniy છે. આવકાર, શુભેચ્છા.