ગોરંભા ઊમટ્યા – સંજુ વાળા
.
જી રે… ગોરંભા ઊમટ્યા ઘેઘૂર આભમાં
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
ઊંડે અજવાળાં તબકી-ઝબકી જાગતાં
. જાણે ઝીણેરું ઝળકંતી તલવાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. તપતી માટીએ કીધી કંઈ કંઈ આરદા
. ઊંચું ઝાંખે રે જળતળ થઈને સાબદા
. વેરી તૂટયાં-તૂટયાં કાંઈ વચનું, વાયદા
ક્યાંથી ચડશે, ક્યાં ઢળશે ચતરંગ સાયબો
. કોઈ અણસારો ઊગે ના લગાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
. કેવા ગઢની કુંવરીયુ કોણે નોતરી
. અક્ષત-કંકુ લૈ ઊભી જે આગોતરી
. દીધી જળના સ્વયંવરની કંકોતરી
કરશે લેખાં-જોખાં ને અક્ષર માંડશે
. મોંઘા મૂલે મૂલવાશે મુશળધાર રે
. ઘેરા પડછંદા ડણકે આરંપાર રે
– સંજુ વાળા
(ચતરંગ = હાથી, ઘોડા, રથ અને પયદળ એમ ચતુરંગી સૈન્યવાળો)
લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ “આજ અનુપમ દીઠો” (૨૦૨૪)નું સહૃદય સ્વાગત છે…
ઉનાળાએ માઝા મૂકી હોય ત્યારે તપતી માટીની એકમેવ આરદા વરસાદ પડે એ જ હોય. જળાશય સૂકાઈ જતાં દેખાવા લાગતું તળિયું સાબદું થઈ ઊંચે આભમાં ઝાંખી રહ્યું હોવાનું કલ્પન ગરમીની તીવ્રતા અને વરસાદની અનિવાર્યતાને કેવી સ-રસ રીતે અધોરેખિત કરે છે! ઘેઘૂર આભ ગોરંભે ચડ્યું છે. જંગલમાં સિંહ ડણક દેતો હોય અને એના પડધા કોતરોને ભરી દેતા હોય એવું વાતાવરણ ઘેરાયેલા આકાશમાં સર્જાયું છે. વીજળીના ચમકારા તબકી-ઝબકીને જાગતી તલવાર જેવા ઝળકે છે, પણ વરસાદ એના વાયદા પાળશે કે તોડશે એનો સહેજ પણ અણસારો આવતો નથી. ઊગવા આથમવા ટાણે આકાશને રંગોથી ભરી દેતો સૂરજ પણ આ વાદળોના કારણે દેખાતો ન હોવાથી એ ક્યાંથી ઊગશે અને ક્યાં આથમશે એય કળાતું નથી. જળનો સ્વયંવર યોજાયો હોય અને પ્રકૃતિ અક્ષત-કંકુ લઈ ઊભી હોય એવું મનોરમ્ય ટાણું કવિએ રચ્યું છે. કંકોતરી લખતી વેળા બે પક્ષ સામસામે બેસીને લેખાંજોખાં કરી, મોંઘા મૂલે કરિયાવર મૂલવી લીધા બાદ જ કંકોતરી પર અક્ષર પાડે એ લોકરિવાજને કવિએ મેઘરાજાના સ્વાગતમાં બખૂબી વણી લીધો હોવાથી ગીત વધુ આસ્વાદ્ય બન્યું છે. અંતે એ પણ સમજવાનું છે કે આ સંજુ વાળાનું ગીત છે. તરસી ધરતી અને વરસું વરસું કરવા છતાં ન વરસતા મેઘ એ ઈશ્વરને કાજ તરસતા આત્મા અને દર્શન-દુર્લભ પરમાત્માના સંદર્ભે પણ જોઈ શકાય. જે પ્રકારે કવિએ અનૂઠા લયને સાદ્યંત જાળવી રાખ્યો છે એય સારા કવિકર્મની સાહેદી પૂરે છે…
. Daji Chauhan said,
February 27, 2025 @ 11:12 AM
સુંદર
Sharmistha said,
February 27, 2025 @ 2:08 PM
ખૂબ સુંદર ગીત
Vipul Jariwala said,
February 27, 2025 @ 8:17 PM
લેખકે અલંકારિક અને તળપદી ભાષાનો અનોખો સંયોગ રચ્યો છે.
અને લેખન માં કવિ ની કલ્પના શક્તિ ઉજાગર થાય છે.
માતૃભાષા ને વંદન કરતું ગીત.
હર્ષદ દવે said,
February 28, 2025 @ 11:51 AM
સરસ ગીતકવિતા. કવિને અને આપને હ્રદયસ્પર્શી આસ્વાદ માટે અભિનંદન.
Shailesh Gadhavi said,
February 28, 2025 @ 6:10 PM
આનંદ, અઢળક શુભેચ્છાઓ, આવકાર
સંજુ વાળા said,
March 1, 2025 @ 11:59 AM
‘આજ અનુપમ દીઠો’ના અનુપમ આવકાર માટે

સૌ મિત્રોનો આભાર
ધન્યવાદ
Dhrutimodi said,
March 3, 2025 @ 4:23 AM
માટી તપી, ધરતી તપી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા પણ મેઘ દેખાણો નહીં
સુંદર કન્યાએ જળની કંકોત્રી દીધી હવે જળ વરસે અને ધરતી, પ્રાણી, લોકો
રાજી થાય !
સરસ રચના !
Uday Chandrakant said,
March 4, 2025 @ 11:51 AM
ખૂબ સરસ ગીત સંજુભાઈ, અભિનંદન !
આસ્વાદ સાથે વધારે સારી સમજ સાથે માણ્યું ! વિવેકભાઈને પણ અભિનંદન