પરિમલ — રતુભાઈ દેસાઈ
. તવ પ્રણય તણો સખિ! પરિમલ રે!
સખિ! પરિમલ રે! ચોમેર મને લે ઘેરી:
. કો અદીઠ શ્વાસની સૌરભ રે!
સખિ! સૌરભ રે! જાતી તું અનહદ વેરી:
*
. આ દૂરત્વની શી દુગ્ધા રે!
સખિ! દુગ્ધા રે! ખેંચે મુજને તવ પાસે;
. જઈ લોક વિલોકે બેઠી રે!
સખિ! બેઠી રે! સરતી શું સમીરણ શ્વાસે?
*
. મઘમઘતાં કુસુમો કોમળ રે!
સખિ! કોમળ રે! જાઉં વેરી તુજ પથમાં;
. તે વીણી લઈ શું ગૂંથશે રે!
સખિ! ગૂંથશે રે! તવ શ્યામલ કુંતલ લટમાં?
*
. સખિ! ચંદ્રકિરણની ધારે રે!
સખિ! ધારે રે! ઊતરે તું ધીરે ધીરે;
. હું એહ કિરણને સ્પર્શી રે!
સખિ! સ્પર્શી રે! લઉં માણી મિલન લગીરે.
*
. આ રોજ રોજની રટણા રે!
સખિ! રટણા રે! ઘૂઘવે મનકબૂતર મોભે:
. ત્યાં પાંખો વીંઝતી આવે રે!
સખિ! આવે રે! ક્ષણભર મુજ સંગે થોભે!
*
. સખિ! પરિમલ મેં આ પીધો રે!
સખિ! પીધો રે! અહરહ મનભર તેં દીધો:
. હું પાગલ : પરવશ પ્રાણે રે!
સખિ! પ્રાણે રે! અગ્નિ-આસવ શું પીધો?
— રતુભાઈ દેસાઈ
વીસમી સદીના પ્રારંભિક દાયકાઓમાં થઈ ગયેલા કવિ તરફથી આજે માણીએ પ્રેમના પરિમલનું પાણીદાર ગીત. ગીતમાં ઉતરતા પહેલાં ગીતની બાંધણી આપણું ધ્યાન આકર્ષે છે. મુખડા અને પૂરકપંક્તિઓનો અભાવ અને બે-ત્રણ નહીં, છ-છ બંધની સંરચના ગીતને પ્રચલિત ગીતોથી અલગ તારવી આપે છે. બીજું, આખાય ગીતની તમામ બેકી કડીઓનો ઉપાડ ‘સખિ’ સંબોધનથી થાય છે, (સાચી જોડણી ‘સખી’. કવિએ કદાચ ‘સખિ’ શબ્દનું વજન ત્રણ માત્રાભારના સ્થાને ગીતમાં બે માત્રા જેટલું છે, એ સૂચવવા હૃસ્વ ઇ પ્રયોજ્યો હોય એ શક્ય છે, કારણ એ સમયના કવિઓમાં છંદની જરૂરિયાત મુજબ લઘુ-ગુરુ અક્ષરોમાં લિપિભેદ કરવાનું ચલણ હતું.)
‘સખી’ સંબોધન જીવનસાથી અને કથક વચ્ચેના સ્નેહસંબંધને ઉજાગર કરી આપે છે. આઠ-નવ દાયકા પહેલાંના ભારતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે આવું સહિયરપણું સાહજિક નહોતું. પત્ની અથવા પ્રેયસી જવે સાથે ન હોવાનો સંકેત કવિ લોક-વિલોકે જઈ બેઠી કહીને આપણને આપે છે. બે શરીર વચ્ચેના દૂરત્વ વચ્ચે પણ પ્રણયની સૌરભ કેવી પ્રસરે છે એ વાત અલગ-અલગ રીતે કરતું આ ગીત સાચે જ મનહર થયું છે.