પણ… – દાન વાઘેલા
રણ તો તરસ્યું લાગે છે, પણ-
લૂની સાથે કરારનામું કરી ઊભેલાં વાદળ સાથે
કેમ તોડવું સગપણ! ૦ રણ તો…
સમય ઉપરના સળને કોઈ ભરચક ઝામણ નખ્ખ ભરાવી
ઊતરડે છે પળમાં!
સાંઠગાંઠની સમજણ જેવા તપાસ પંચો પંપાળે છે
ખુદને પણ પોકળમાં!
મૃગજળ સંગે જંગે ચડ્યા પણ-
ભીતરમાંથી દોમદોમ પ્રહારો જેવા પરસેવાના
ટપટપ ફૂટે દર્પણ! 0 રણ તો…
પાણીનું હોય પાઉચ એમ જ પવન પડીકાંમાં વેચાતો
હોય એમ શું નથી?
ભરબપ્પોરે સૂરજ ફરતું મેઘધનુ જોયું હોય એને
અચરજ જેવું નથી!
પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ! 0 રણ તો…
– દાન વાઘેલા
કેટલીક તરસ તરસાવનાર સાથે પણ નાતો તોડવા નથી દેતી… જે વાદળ લૂ સાથે કરારનામું કરી નહીં વરસવાનું પણ લઈ બેઠાં હોય એની સાથે પણ સગપણ તોડી ન શકે એવી પ્રીતનું સ-રસ ગીત કવિ લઈ આવ્યા છે.
Ramesh Maru said,
February 7, 2025 @ 12:29 PM
વાહ…કુછ હટકે…
નિલમ રૉય said,
February 7, 2025 @ 12:48 PM
વાહ … કંઈક નવું જ!! અભિનંદન 🙏🎀
Varij Luhar said,
February 7, 2025 @ 1:19 PM
વાહ.. સરસ ગીત
લતા હિરાણી said,
February 7, 2025 @ 8:33 PM
સરસ ગીત
યોગેશ ગઢવી said,
February 8, 2025 @ 11:02 AM
તાદાત્મ્યતાનું સગપણ પણ ઉજાગર કરતું ભાવસભર ગીત 🌹🙏🏼
લલિત ત્રિવેદી said,
February 8, 2025 @ 6:12 PM
સરસ ગીત… કવિના અન્ય ગીતો જેવું
દાન વાઘેલા. said,
February 10, 2025 @ 6:51 PM
આભાર. વિવેકભાઇ. આપ સૌને ગીત ગમ્યુ એનો આનંદ.
Dhruti Modi said,
February 11, 2025 @ 5:45 AM
વાહ, સરસ ગીત !
પ્રમાણનો પરપોટો છે, પણ-
શ્વાસ ઉલેચી રેતીનો વિશ્વાસ કર્યો એ ભીનપનું પણ
ક્યાંથી છૂટે વળગણ !
ગીત માટે કદાચ આ ભાષા કઠિન ગણાય !