પૃથ્વી – મકરંદ દવે
ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.
ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા અંતરની અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.
અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ
રૂપને વિરૂપમાં વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.
– મકરંદ દવે
આ કાવ્ય વિષે કવિએ કહ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગી તેનું આ વર્ણન છે. મને આ વાતની ખબર નો’તી. મને તો કાવ્ય ગમ્યું અને એવો અર્થ સમજાયો કે જાત ને જરા છેટેથી સાક્ષીભાવે નિહાળતા ઘણા રહસ્યો સમજાય છે……
ketan yajnik said,
November 8, 2016 @ 5:14 AM
ભારે કરી. સંજવાનુંઅંતર થી અંતર રાખી જરાક છેટેથી।અને તે પણ સાક્ષીભાવે અને વસાથે રહી થોડુંક છેટું રાખવાનું અથવા છેટું રાખ્યું સંજવાનુંઅને સમજ્યા એવો સાખીભાવ। ભારે કરી ભાઈ સાંઈ
વિવેક said,
November 10, 2016 @ 2:17 AM
સુંદર રચના….