શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

ઉપરણાં – મકરંદ દવે

જૂનો રે ડગલો જુદો નવ પડે
નવો મારે ચડે નહીં અંગ,
ઉપરણાં વણે તું નવ નવ તેજનાં
મને અહીં વાસી વળગે રંગ;
કિરણો વરસે ને કાળપ ઝગમગે.

આભમાં જોઉં તો ઠપકો આપતો
સૂરજ તપી તપી જાય,
નીચે જોઉં તો તરણું નાચતું
ભાઈ, એનું હસવું નો માય;
અમે રે માણસ, મારગ ક્યાં મળે ?

પળે પળે ઊડવાની પાંખ નંઈ,
નંઈ કોઈ મૂળનાં મુકામ,
ઊભું રે અધવાટે અંધું પૂતળું
ખેલ એનો ફૂંકમાં તમામ;
અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.

– મકરંદ દવે

જન્મોજન્મના સંસ્કાર એટલે જૂનો ડગલો – એ નાબૂદ થતાં નથી…અને એ જ બોજો મને નવી વાત સમજવા દેતો નથી…. તારી ક્રુપાના કિરણો પામવાની મારી પાત્રતા નથી – એ કિરણોથી તો મને કાળાશ જ નસીબ છે…

“અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે…..” – બસ માણસનું જાણે આ જ પ્રારબ્ધ !

1 Comment »

  1. Pragnaju said,

    September 6, 2023 @ 7:04 PM

    કવિશ્રી મકરંદ દવેનુ ખૂબ સુંદર ગીત
    ઉપરણાં વગે તું નવ નવ તેજનાં
    મને અહીં વાસી વળગે રંગ;
    કિરણો વરસે ને કાળપ ઝગમગે
    અદ્ભુત આધ્યાત્મિક દર્શન
    યાદ આવે
    ભગવન જગન્નાથની નગરચર્યા પહેલાં ભક્તોને ઉપરણાં અપાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જમાલપુર મંદિરમાં ઉપરણાં બનાવવાની શરૂઆત થઈ ગઈ.. આ વર્ષે અઢી લાખ જેટલાં ઉપરણાંનો પ્રસાદ ભક્તોને આપવામાં આવશે.
    જગન્નાથ મંદિરના ગાદિપતિ મહંત દીલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, રથયાત્રા પૂર્વે ભગવાનની નેત્રોત્સવવિધી કરવામાં આવે છે. ભગવાનને પાટા બાંધવામાં આવે છે. ત્યારબાદ તે જ પાટાને પ્રસાદ રૂપે ભક્તોને અપાય છે. મહાભારતના યુદ્ધના સમયે ટચલી આંગળીએ લોહી નીકળ્યું હતું તે સમયે દ્રૌપદીએ ચીર ફાડીને ઉપરણાંથી તેમની આંગળીએ પાટો બાંધ્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. આ વર્ષે લાખ સવા લાખ ઉપરણાં બનાવવામાં આવ્યા છે.
    વધુ એક વાયકા એવી છે કે, ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે જળયાત્રા બાદ નીજ મંદિરથી ઘરે આવે છે ત્યારે ભગવાનને આંખો આવી જાય છે. આ સમયે ભગવાનને પાટા બાંધવામાં આવે છે. આ પાટાના પ્રતિક સમા ઉપરણાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. જેનું ભક્તોમાં પણ વિશેષ મહત્વ રહેલું છે..
    ડૉ તીર્થેશજી નો સ રસ આસ્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment