લા – પરવા ! – મકરન્દ દવે
કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા !
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા,
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમો ઇદ અને આવો તમે રોજા.
– મકરન્દ દવે
આ કવિતાની ધ્રુવપંક્તિ તો આજે કહેવતકક્ષાએ બિરાજમાન છે. દુનિયાની પરવા રાખીએ તો દુનિયા જીવવા નહીં દે અને રુદિયામાં વસેલા રામને ધ્યાનમાં રાખીને મસ્ત થઈ જીવતા રહીએ તો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનું નથી એવો લાપરવાહીનો ભાવ ધરાવતું આ ગીત એના સ્વરૂપની બાબતમાં પણ એ જ અભિગમ દેખાડે છે. પહેલો અંતરો બે કડીનો, બીજો ચાર, ત્રીજો છ અને આખરી અંતરો આઠ કડીનો.
Rina said,
November 16, 2012 @ 12:54 AM
Awesome….
Hasit Hemani said,
November 16, 2012 @ 6:18 AM
રાજ કપૂરે ગાયેલા ગીત “આસમાં પે હૈ ખુદા, ઓર ઝમીં પે હમ” ગીત ના તર્જ માં ગાઈ શકાય તેવું ગીત છે. ભાવાર્થ પણ મહદ અંશે મળતો આવે છે.
pragnaju said,
November 16, 2012 @ 8:44 AM
ખૂબ સુંદર
Shriya said,
November 16, 2012 @ 11:42 AM
ખુબજ સચોટ અન સરસ કાવ્ય!
Maheshchandra Naik said,
November 30, 2012 @ 1:46 PM
કવિશ્રી મકરંદ દવેને લાખ લાખ સલામ…………………