સમય ટૂંકો પડે સુખમાં, સમય લાંબો ઘણો દુઃખમાં
સમય સરખો નથી રહેતો, સમયની આ સમસ્યા છે
રાજેશ રાજગોર

ચણીબોર – મકરંદ દવે

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

બોરમાં તે શું ? બોલતા જ્ઞાની,
આંખો મીંચી બેસતા ધ્યાની,
તોરીલા પણ કોઈ તોફાની
ડાળને વાળી, ડંખને ગાળી
ઝુકાવે ઝકઝોર.

પીળચટાં ને તૂરમતૂરાં,
કોઈ ચાખી લે ખટમધુરાં,
લાલ ટબા તો પારેખે પૂરા,
વીણી વીણી આપતાં હોંશે
ચખણી ચારેકોર.

જ્ઞાની ચાલ્યા ખોબલે ખાલી,
ધ્યાની ઊઠ્યા નીંદમાં મ્હાલી,
અહીં અમારે ધરતી લાલી
ક્ષણ પછી ક્ષણ ખરતી આવે
ખેલતાં આઠે પ્હોર.

કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
ક્ષણનાં ચણીબોર.

– મકરંદ દવે

ક્ષણોમાં જીવવાની વાત કેવી ખૂબીથી આલેખાઈ છે !!! મૂઠીમાં દરિયાની રેતીને જેટલા વધુ જોરથી ભીંસીને પકડવા જઈશું તેટલી જ ત્વરાથી એ સરકી જશે….

4 Comments »

  1. સુરેશ જાની said,

    November 21, 2017 @ 7:23 AM

    સંત કવિની વાણી
    કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
    ક્ષણનાં ચણીબોર.
    વિસંવાદિતા અને વૈમનસ્ય ની પરિસ્થિતિ જોતાં નિરાશાનો ભાવ પ્રગટે . આ સ્થિતિના ઉપાય તરીકે અમુક ઉપચારકો ધર્મ કે સંપ્રદાયના નામે ઉપાય સૂચવતા રહે છે. સમગ્ર સમાજની કે મોટા ભાગના સમૂહની આવી તળિયે ગયેલી સ્થિતિ કેવી રીતે હોઇ શકે? માણસાઇના દીવા કદાચ ઝાંખા પડયા હોય પરંતુ અસ્ત થઇ ગયા હોય તેમ શી રીતે માની શકાય? . શિશુના યોગક્ષેમ માટે માતાના વાત્સલ્યનું ઝરણું ક્ષીણ થયું નથી. બાળકની નિર્દોષતા અકબંધ જળવાઇ રહી છે. આથી છેક જ સ્થિતિ વણસી ગઇ છે અને હવે ત્યાંથી પાછા ફરી શકાય તેમ નથી તેવું માનવું કે મનાવવું ઉચિત લાગતું નથી. કવિ શ્રી સ્નેહરશ્મિના શબ્દો યાદ આવે.
    હજુ છે આશ સૃષ્ટિની જયાં લગી ખીલે છે ફૂલો
    ડાળે ડાળે વિહંગોને શિશુસોહ્યા મનુફૂલો.

  2. pragnaju vyas said,

    November 23, 2017 @ 8:42 AM

    ધ્યાન દોરવા બદલ આભાર
    ટેકનીકલ કારણ ખબર નથી
    અમારી કોમેંટ સુરેશ જાનીને નામે !
    સુધારી લેશોજી
    હવે
    અમારું નામ વાંચી કોમેન્ટ કરશુ
    સંત કવિની વાણી
    કાળની કાંટા-ડાળીએ લાગ્યાં
    ક્ષણનાં ચણીબોર.
    વિસંવાદિતા અને વૈમનસ્ય ની પરિસ્થિતિ જોતાં નિરાશાનો ભાવ પ્રગટે . આ સ્થિતિના ઉપાય તરીકે અમુક ઉપચારકો ધર્મ કે સંપ્રદાયના નામે ઉપાય સૂચવતા રહે છે. સમગ્ર સમાજની કે મોટા ભાગના સમૂહની આવી તળિયે ગયેલી સ્થિતિ કેવી રીતે હોઇ શકે? માણસાઇના દીવા કદાચ ઝાંખા પડયા હોય પરંતુ અસ્ત થઇ ગયા હોય તેમ શી રીતે માની શકાય? . શિશુના યોગક્ષેમ માટે માતાના વાત્સલ્યનું ઝરણું ક્ષીણ થયું નથી. બાળકની નિર્દોષતા અકબંધ જળવાઇ રહી છે. આથી છેક જ સ્થિતિ વણસી ગઇ છે અને હવે ત્યાંથી પાછા ફરી શકાય તેમ નથી તેવું માનવું કે મનાવવું ઉચિત લાગતું નથી. કવિ શ્રી સ્નેહરશ્મિના શબ્દો યાદ આવે.
    હજુ છે આશ સૃષ્ટિની જયાં લગી ખીલે છે ફૂલો
    ડાળે ડાળે વિહંગોને શિશુસોહ્યા મનુફૂલો.

  3. સુરેશ જાની said,

    November 23, 2017 @ 8:49 AM

    લયસ્તરો ખોલતા સુરેશ જાનીનું સરનામું કેમ નીકળે છે?
    ટેકનીકલ કારણ સુધારશો

  4. Shivani Shah said,

    November 23, 2017 @ 12:28 PM

    હવે સમજાય છે કે
    What’s in a name? that which we call a rose
    By any other name would smell as sweet.
    William Shakespeare,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment