સાવ ઓરડે એકલવાયો છબી મૌનની દોરું
ત્યાં જ કરી ‘ચી…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
– અનિલ ચાવડા

આશ્વાસનો ! – મકરન્દ દવે

દુઃખ માટે એકબીજાને અમે આશ્વાસનો દેતા રહ્યા,
ને દુ:ખના દરિયા અમારા શ્વાસ રૂંધી નાખતા વહેતા રહ્યા,
ઉપર, જરા ઉપર, જરા માથું બહાર ભલે ટકે,
પણ દુઃખ જેવા દુઃખને કોઈ ભલા, ભૂંસી શકે ?

હાય, માનવ જિન્દગી પીડા તણા આ પારણે મોટી થતી
પીડા બનીને એક આખી વાટ પથરાઈ જતી;
ને તે છતાં, ને તે છતાં, ને તે છતાં-
પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.

આશ્વાસનો ! પોલાં, નકામાં, સાવ જૂઠાં,
સત્યથી જે વેગળાં, વિકૃત, વિખૂટાં
આજ છોડો, જીવ મારા, ક્યાંય સુખની શોધમાં
ના, આપણે ફરવું નથી, પણ રાતની સૂમસામ કાળી ગોદમાં
જેમ આ સૃષ્ટિ સમાતી, એમ દુઃખના અંકમાં જઈ પોઢીએ,
કોણ જાણે છે, કદાચ જગાડશે પીડા નવીન પરોઢિયે.

– મકરન્દ દવે

જિબ્રાન યાદ આવી જાય – ‘ some wounds heal with time, some wounds flare with time ‘

જો કે અહીં વાત અલગ છે – પીડાની સ્વીકૃતિની વાત છે, આશ્વાસનોની વ્યર્થતાની વાત છે. સાંઈકવિ સામાન્ય રીતે આકરા શબ્દો નથી પ્રયોજતા, પણ આ કાવ્યમાં તેઓનો પુણ્યપ્રકોપ ફાટ્યો છે…..તદ્દન વાસ્તવવાદી દર્શન…..

2 Comments »

  1. saryu parikh said,

    January 5, 2021 @ 9:31 AM

    ને તે છતાં-
    પીડા તણા કાચા મસાલાથી જ નૌતમ પામતાં
    જે ઘાટ, એવાં મુખ મનોહર કેટલાં નજરે તરે !
    આનંદની લહેરી ઉપર લહેરી જ જ્યાં ખેલ્યા કરે.
    સરસ રચના.
    સરયૂ

  2. pragnajuvyas said,

    January 5, 2021 @ 11:10 AM

    આ સંત કવિ મકરન્દ દવેની કવિતાઓ,ગીતોમા ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો હોય છે
    આ સુંદર ગીતમા ગીતાના આશ્વાસનની વાત આકરા શબ્દોથી કરે છે !
    સુખદુ:ખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ
    તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્યસિ..

    લાભ-હાનિ સુખો-દુ:ખો, હાર-જીત કરી સમ,
    પછી યુદ્ધાર્થે થા સજ્જ, તો ના પાપ થશે તને

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment