હૈયાની વાત – મકરન્દ દવે
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.
– મકરન્દ દવે
આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.
ધવલ said,
March 24, 2020 @ 1:10 PM
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
– સરસ !
pragnajuvyas said,
March 24, 2020 @ 3:13 PM
સાત જ વર્ષની ઉમ્મરે આંતરિક જાગૃતિ પામેલા અમારા નંદીગ્રામ આશ્રમમાં સાધના અને સમાજ સેવા કરતા સ્વ મકરન્દ વજેશંકર દવેનુ અનુભવાતુ આત્માનું ગાન સ્વાભાવિક જીવન જીવવાનો આ સંદેશ દરેક માણસના પોતને જાગૃત કરી જાય છે. તીવ્ર વેગથી ગતિ કરી રહેલા, પ્રચંડકાય સામાજિક , આર્થિક અને ધાર્મિક ચક્રની એક નાની શી ખીલી જેવું આપણું હોવાપણું ચહેરો ગુમાવી બેઠું છે તેઓને ભલે ધીમી ગતિએ, પણ એક ક્ષણ માટે ય આપણા પોતાના તુંબડાથી તરવા આ કાવ્યમાં ઇજન છે. મરીને જીવી ગયેલા સાચા દિલના માનવો તરફ અંગુલી નિર્દેશ કરીને, આપણને મરેલાની જેમ નહીં પણ મોત કાલે જ આવવાનું છે, તેમ ગણી જીવવાનું અહીં આમંત્રણ છે.ધન્યવાદ ડૉ ધવલભાઇ
Dr Sejal Desai said,
March 29, 2020 @ 2:13 AM
ખૂબ સરસ ગીત… જીવનની ફિલસૂફી સમજાવતું