કોનો વાંક ? – મકરંદ દવે
કોનો ગણવો વાંક ?
પોતપોતાનો મારગ જ્યારે
લેતો આજ વળાંક.
આજ આ છેડે નીરખી રહીશ
મૂરતિ તવ મધુર,
કોઈ ઝીણેરા તારલા જેવી
સરતી દૂર-સુદૂર;
શૂન્યમાં સૌ સરતાં ભલે
ભણતો જઈશ આંક-
કોનો ગણવો વાંક ?
વળતી નજર વીણતી જશે
કોઈ વિલાયાં ફૂલ,
ખીલતાંને હું ખોજવા કેરી
કરીશ નહીં ભૂલ;
પૂરતી મારે પાંખડી સૂકી
રહી સહી જે રાંક-
કોનો ગણવો વાંક ?
અચ્છા, તારે મારગ હસો
નિત વસંતની લીલા,
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?
– મકરંદ દવે
……અંતે તો એકલા જ ચાલવાનું છે……..
Rina said,
May 27, 2012 @ 10:51 AM
Ekla cholo re :)…awesome…
Dhruti Modi said,
May 27, 2012 @ 2:22 PM
સરસ ગીત.
તારો સાદ સુણી કોઈ ના આવે તો ઍકલો જાને રે…..
વિવેક said,
May 28, 2012 @ 2:20 AM
ઉત્તમ કવિતા…
Darshana Bhatt said,
May 30, 2012 @ 1:34 PM
ખુબ જ હ્ર્દયસ્પર્શિ કાવ્ય
pragnaju said,
June 1, 2012 @ 10:54 AM
પગ ચીરીને ચાહશે મને
પેલા ખડક ખીલા;
મુખ બનીને મ્હોરશે ત્યારે
કાળજે એવું કાંક !-
કોનો ગણવો વાંક ?
અ દ ભૂ ત