મારામાં તું જ ઊમટે – મકરંદ દવે
હું તો તારા સમયનિધિનું ક્ષુદ્ર એકાદ બિંદુ,
ઝીણી લાગે તપન તણી જ્યાં ઝાળ,ઊડી જવાનું.
તો યે સૂતા મુજમહીં નિહાળું સદા સાત સિંધુ
કોઈ એવું ગહન મુજમાં નિત્ય,નિ:સીમ,છાનું.
હું તો નાનું હિમકણ,હિમાદ્રિ તું સ્થાણું સદાય,
હું તો પાલો પલકમહીં આ,પીગળી અસ્ત પામું,
તોયે મારે તવ થકી રહ્યો ભેદ અંતે ન ક્યાંય!
ઊડ્યો ઊંચે ઘનદલ બની અંક તારે વિરામું.
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.
– મકરંદ દવે
અનંત સાગરમાં એક અનંત બિંદુ…..
-ખલીલ જિબ્રાન.
pragnaju said,
July 18, 2010 @ 4:36 AM
હું તો નાનું અમથું વડનું બીજ ને બીજમાં તો
ઊભો ધીંગો વડ,શું વડવાઈ જટાજૂટ ઝૂલે,
જ્યાં જોઉં ત્યાં અચળ પડદો એક સાથે ભૂંસાતો,
મારો તારો વિરહમિલને ખેલતો રંગ ખૂલે.
મહાઆશ્ચર્યથી આગે, મહદાનંદને તટે.
હું તને પામવા ઝંખુ,મારામાં તું જ ઊમટે.
વેદોના સાર જેવી સહજ સરળ અનુભૂતિની પંક્તીઓ
તેની કૃપાથી જ લખાય
યાદ આવી તેનો અણસાર પામેલાની અંતરવાણી
શ્યામ શોભા ઘણી, બુધ્ધિ નવ શકે કળી
અનંત ઓચ્છવમાં પંથ ભુલી
જળ અને ચેતન રસ કરી જાણવો
પકડી પ્રેમે સજીવન મૂડી. નિરખને ગગનમાં…
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં
હેમની કોર જ્યાં નિસરે તોલે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે
સોનાના પારણામાંહી ઝુલે. નિરખને ગગનમાં…
બત્તી વિણ તેલ વિણ સુત્ર વિણ જો વળી
અચળ ઝળકે સદા અનળ દિવો
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો
વણ જિવ્હાએ રસ સરસ પીવો. નિરખને ગગનમાં…
Rekha Sindhal said,
July 18, 2010 @ 7:27 AM
મકરંદ દવેની આ ઊંડી અનુભૂતિવાળી હ્રદય સ્પર્શી રચના બહુ ગમી! આભાર
DEEPAK TRIVEDI said,
July 18, 2010 @ 7:30 AM
આંખ અડાબીડ દરિયો———-દીપક ત્રિવેદી
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આ મારામાં સાંવરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આ રણઝણતા ઝાંઝરીયા ….
હેય અમે શ્વાસ માં ભરિયા —
ઈ મન સાગરમાં ભરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
જો ગમે એક-બે ઠુમરી….
ઈ બને અષાઢી ઘુમરી….
ઈ પર્ણોમાં મરમરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
ઈ મેઘ ધનુષી છાંયો ….
ઉર આકાશે પથરાયો ….
ઈ પડઘા માં પાથરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું …છલોછલ… છલ… છલ… છલ… !
——-દીપક ત્રિવેદી
Girish Desai said,
July 18, 2010 @ 8:03 AM
સિંધુ અને બિંદુ
તું છે એક સિધુ, હું છંુ એક બિન્દુ
તંુ છે સર્વ વ્યાપી , તંુ છે દીનબંધુ.
રચ્યાં તેં અગણ્ય વિવિધ ભાનુ ઇન્દુ,
રચ્યાં તંે અસંખ્ય વિવિધ જીવ જંતુ
ઘૂમાવે જગતને લઇ કોઇ અજ્ઞાત તંતુ
ઘૂમે સૃષ્ટિ સારી, તંુ બન્યો મધ્ય બિન્દુ.
બને ના પરીઘ,જો ન મળે મધ્ય બિન્દુ
તો બને સૃષ્ટિ કયાંથી, તંુજ વિના દીનબંધુ !
ઉદિત થાશે જયારે, મુજ મન મહીં જ્ઞાન ઇન્દુ
ભળી જાશે ત્યારે સિંધુમાં આ એક બિન્દુ.
ગિરીશ દેસાઇ
Kalpana said,
July 18, 2010 @ 10:56 AM
આ એક પદ કેવુઁ રચાયુ કે કોમેન્ટ્સમા પણ પદૉ જ રચાયા. આને કહીએ પ્રભુ પરનો પ્રેમ.
મન ડઁખે પણ મન ઝઁખે
એનુ નામ સનાતન પ્રેમ
તુ પણ પૂર્ણ ને હુ પણ પૂર્ણ
તારો જ અઁશ વડનુ મૂળ તુઁ
હુઁ તારુઁ કૂણુ કૂણુ પર્ણ હુઁ
ખુશી કરતા આનઁદ વધુ થયો.
આભાર
કલ્પના
Praveen said,
July 18, 2010 @ 4:08 PM
અંગત રીતે, મારા પૂજ્ય મકરન્દમામાની કદીક મુખોમખ સાંભળવા પામેલો તે મર્મભેદી મધુર ‘ ગેબી વાણી’,
આજે વર્ષો વીત્યે ફરી સંભળાવવા બદલ
ઊંડા અંતરનાં ઓવારાણાં, ધન્યવાદ, વિવેકભાઈ !
pragnaju said,
July 18, 2010 @ 8:35 PM
જ્યોતિષ ચોરી ભેદ
pragnaju said,
July 18, 2010 @ 8:47 PM
ઉપરોક્ત લખાણ ભૂલમા થયું છે તો કાઢી નાંખવા વિનંતિ
વિહંગ વ્યાસ said,
July 19, 2010 @ 4:46 AM
કવિની નિજી અનુભૂતિ. “અનંત જુગમાં નહીં અમારે એક ઘડીનો વ્રેહ…..મારો અનહદ સાથે નેહ” આભાર વિવેકભાઇ.
Bharat Trivedi said,
July 19, 2010 @ 5:39 PM
બધી કવિતાઈ પાછળ રહી જાય ત્યારે જ આવી કવિતા કદાચ સંભવે. સુન્દરમ/રાજેન્દ્રભાઈની સાથે જ યાદ આવી જાય તે મકરંદભાઈ. કવિ ક્રાન્તદર્શી ના હોય તો તો તેને લહીયો જ કહેવાયને? રાજેન્દ્રભાઈની પણ કેવી સમાનંતર અનુભુતિ છે!
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
– ભરત ત્રિવેદી
વિવેક said,
July 20, 2010 @ 1:43 AM
સુંદર અર્થસભર રચના…
kanchankumari. p.parmar said,
July 20, 2010 @ 6:43 AM
આકાશ હોય ભલે તારીઆંખો મા ….તારો એક હુંયે છુ…….ઉછળતા આ સાગર માય કિયાક છુપાયેલુ એક બિંદુ છુ…..
jolly vaidya said,
August 3, 2010 @ 12:51 AM
thanks for putting this in to words……was unspoken till then…….