પ્રેરણાપુંજ : ૦૭ : ધૂળિયે મારગ – મકરન્દ દવે
કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
એમાં તે શી ખોટ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ?
સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!
– મકરંદ દવે
મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.
આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.
Mitaben Ranchhodsinh Rathod said,
December 11, 2023 @ 10:19 AM
સુંદર રસાસ્વાદ સાથે સ્વાનુભૂતિ દર્શન 🙏🙏
Poonam said,
January 11, 2024 @ 12:07 PM
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
– મકરંદ દવે – waah !
Aaswad…. Pappa… (Mara Pan) 🙏🏻