ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી
– શેખાદમ આબુવાલા

ચમત્કારોની દુનિયામાં – મકરન્દ દવે

ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ, સાકી !
નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ, સાકી !

હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું
છતાં તારા ભણી લઇ જાય છે મારાં કરમ, સાકી !

નિરાલી હર અદા,હર ચાલ,હર કાનાફૂસી તારી,
તને પહેચાનું પણ રહી જાય છે પાછો ભરમ, સાકી !

કહી દઉં સાફ દુનિયાને બધી વાતો,બધા ભેદો,
કરે છે આંખથી તું ત્યાં મના કેવી મભમ, સાકી !

નથી જેણે હજુ તારાં નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીં તારાં નિયમ, સાકી !

સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબરને તો નથી કાં ક્યાંય દેખાતો સિતમ, સાકી !

ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !

હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !

ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !

– મકરન્દ દવે

આગવી જ ઊંચાઈને સ્પર્શતી સૂફી ગઝલ ! આ રચના મકરંદ દવેની જ હોઈ શકે ! બીજો શેર મર્મભેદી છે. એમાં કવિએ ખૂબીથી એક ગૂઢ અર્થ છૂપાવ્યો છે – કવિ મયકદાથી શા માટે છૂટવા માંગે છે ? જો કવિ માત્ર મયકદામાં જ સાકીની હાજરી અનુભવી શકશે, અન્યત્ર નહિ, તો નશો અધૂરો કહેવાય. પરંતુ સાકીએ કર્મની-ઋણાનુબંધની- જાળ એવી આબાદ નાખી છે કે કવિના કર્મો જ કવિને છોડતા નથી. સાકી કવિને અળગો પણ નથી થવા દેતો અને એકાકાર પણ નથી થવા દેતો. આ કઠિન પરીક્ષામાંથી કવિ પાર ઉતરશે ત્યારે તે સાકી સાથે એકાકાર થઇ શકશે. અન્ય તમામ શેર પણ છેતરામણા છે-લાગે છે તેટલા સરળ નથી.

8 Comments »

  1. Pancham Shukla said,

    February 11, 2011 @ 5:34 AM

    બહોત અચ્છે તીર્થેશભાઈ. તરબતર તેજ પિયાલી જેવી ગઝલ અને યથોચિત આસ્વાદ.

  2. PUSHPAKANT TALATI said,

    February 11, 2011 @ 7:56 AM

    શાબાશ – શાબાશ – શાબાશ – શાબાશ – અને – શાબાશ જ .

    બીજો શેર મર્મભેદી છે. – તો પછી – છેલ્લા બે શેર પણ કાંઇ ઓછા છે ? આ રહ્યા એ –

    હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
    મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !

    ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
    દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !

    કેમબાકી ! ? ! – ઘણી જ શક્તિ માંગી લેય છે સમજવા માટે .
    છતાં યથાશક્તિ પ્રયત્ન કરો અને મથશો તો તેમાંથી અર્થ સાંપડશે !!
    તો આ રચના ને ઉતાવળ થી ન વાંચતાં શાન્તીથી તેમજ શબુરીથી અધ્યયન કરવા મારી દરેક વાંચકને નમ્ર વિનંતિ છે.

  3. padmini said,

    February 11, 2011 @ 9:19 AM

    અતિ સુન્દર.

  4. shishir said,

    February 11, 2011 @ 10:53 AM

    Its awesome,buddy.
    I like it.
    I can’t imagine dat types thought
    n dat’s why I m not a poet but I like it very very much.
    So thank you

  5. pragnaju said,

    February 11, 2011 @ 12:31 PM

    ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
    દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !
    અ દ ભૂ ત પંક્તીઓ
    ગૂઢ વાતોને આસ્વાદમા અને પુષ્પકાંતે પ્રતિભાવમા કરેલ પ્રયત્ન સરાહનીય છે પરંતુ જે અનુભવવાની વાત સંતો પણ નેતી નેતી કહે તેને સમજાવવું અસંભવ છે
    હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
    મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !
    વિવેક પણ આ રીતે વર્ણવે
    મરમ જિંદગીનો કહી જાય રેતી,
    સતત હાથમાંથી સરી જાય રેતી

  6. dHRUTI MODI said,

    February 11, 2011 @ 3:56 PM

    અદ્ભૂત સૂફી ગઝલ.

  7. વિહંગ વ્યાસ said,

    February 11, 2011 @ 9:51 PM

    અદભુત ગઝલ.

  8. sudhir patel said,

    February 12, 2011 @ 8:17 PM

    ખૂબ સુંદર મિજાજ સભર ગઝલ!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment