બુદ્ધનું ગૃહાગમન – મકરંદ દવે
ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી
હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું,
અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું,
મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ?
મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી
ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું,
ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ?
ભલે જાગ્યો જાગ્યો સ્થવિર, પણ જાતો શું થથરી?
હવે ચાલો, મારાં ચરણ, ટહુકો કંઠ, હળવે
કહો: ભિક્ષાન્નદેહિ ! સકળ નિજ ત્યાગેલ પ્રિયને
જગાડો આઘાતે ફરી, સ્વજનની નીંદર હરો;
નથી લક્ષ્મી લાવ્યો, નથી સુમુખી, લાવ્યો સુખ હવે,
છતાં આજે બંસી ફરી લગનની, શુભ્ર શયને
તમારા આત્માનો અમર વરણે દીપક ધરો !
[ ખાંપણ = કફન, ઘારણ = ખૂબ ઊંઘ લાવતું ઔષધ , સ્થવિર = સ્થિર ચિત્ત વાળો, નિશ્ચયી ]
કોઈક કારણોસર ગુજરાતી વાચકોમાં સોનેટ કાવ્યપ્રકાર બહુ લોકપ્રિય નથી થઇ શક્યો. છંદબંધન સાચવવા કરાતો કઠિન શબ્દોનો વપરાશ અને વાચનમાં સરળતાનો અભાવ વાચકને કંટાળો લાવી દે છે. પરંતુ મકરંદ દવેના શ્રેષ્ઠ સોનેટમાં ગણના પામતાં ઉપરોક્ત સોનેટની ભૂમિકા જ અતિરમ્ય છે.
ભારતીય સમાજ અંધ Hero Worship ધરાવતો સમાજ છે. અમુક પાત્રો ને કદી પ્રતિપ્રશ્ન કરવામાં ન માનતો સમાજ છે. કદાચ આથી જ યશોધરાના એક પ્રશ્નને પૂરતું મહત્વ નથી મળ્યું. આ સોનેટમાં જે ભૂમિકાની વાત છે,તેના અનુસંધાનમાં તત્પશ્ચાતનું એક દ્રશ્ય ઇતિહાસમાં આલેખાયેલું છે- ભગવાન બુદ્ધ બુદ્ધત્વ પામ્યા બાદ પ્રથમવાર પાછાં જયારે પોતાને મહેલ જાય છે અને યશોધરાને મળે છે ત્યારે યશોધરા એક સોંસરવો પ્રશ્ન પૂછે છે,” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”
Maheshchandra Naik said,
July 10, 2011 @ 2:21 PM
સોનેટ વિષેની ચોખવટ પછી શ્રેષ્ઠ સોનેટ અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર……….
શ્રી મકરંદ દવેને સ્મરાંણજલી
Bhadresh Joshi said,
July 10, 2011 @ 2:57 PM
કેમ મને આ વાંચી રડું આવે છે? કોઈક મને આ રચનાનો અર્થ શબ્દશહ સમજાવો. આટી સુંદર છે આ સૉનેટ. I recollect to have studied a Sonet : Ati Gyan : in my school days. There are many Gujarati words beyond my understanding. Please get us, to all the readers, a Gadya passage on this.
ધવલ said,
July 10, 2011 @ 4:15 PM
મનનીય … વધુ વાંચતા વધુ ખુલશે …
Atul Jani (Agantuk)l said,
July 10, 2011 @ 11:22 PM
” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”
હું માનુ છું કે જવાબ આવો હતોઃ “થઈશકે, પણ કદાચ ન પણ થાત”. તેમ છતાં હું પાકુ કરીને ફરી પાછું જણાવીશ.
Kalpana said,
July 11, 2011 @ 11:45 AM
ભગવાન તથાગત સિવાય આટલી પારદર્શકતા ક્યાં જોવા મળે? અને યશોધરા? મા ધરતીની સહનશીલતાની સાક્ષાત દેવી. ભગવાન તથાગતનુ ગ્રુહાગમન જ સૌ કોઇને રડાવવા સમર્થ છે ભદ્રેશભાઈ. કંઠમાથી “ભિક્ષાન્ન્દેહિ” શબ્દ યશોધરાના આઘાતને ફરી જગાડશે, એ ભીતિસહ ગ્રુહપ્રવેશ કર્યા પછી એ આઘાતનો મલમ આ પોતાની નબળાઈનો એકરાર લાગે છે મને.
સુન્દર રચના.