રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા

બુઝાવી નાખો – મકરંદ દવે

– અને ફરીથી અવાજ આવ્યો : બુઝાવી નાખો,
તમે જલાવી તે મીણબત્તી બુઝાવી નાખો !

અમે થથરતા રહ્યા સુણી, શું કરીશું, ભાળી
બહાર બેઠી મનુષ્યભક્ષી સમી તલસતી કરાળ કાળી
અઘોર રાત્રી, જરાક અજવાળું ઝૂંપડીમાં,
બહાર ભૂખી ચકોર વાઘણ તણાં શું ધીમાં
સુણાય પગલાં, અને સુણાતો અવાજ મીઠો :
‘ બુઝાવી નાખો તે મીણબત્તી !’ અહા, અદીઠો
સમર્થ કોઈ પુકાર, ને આ અમે પરસ્પર
વધાવવાને, વખાણવાને અવાજને એ સદાય તત્પર.
અરે, શું ભોળા !
તમે જલાવી તે મીણબત્તી બની છે ઓળા
બધા ભયાનક, ‘ બુઝાવી નાખો !’ અવાજ જાણે
ઊગે છે સૂરજ બનીને પ્રાણે.
સહુ વખાણે
અમે કહેતા : અવાજ આવો સુણી પ્રકાશે
જુઓ, વહાણું નવીન વાશે
પરંતુ બત્તી બુઝાવવાને અહીં ન ચાલે અમારી છાતી,
અવાજની પણ આ મીણબત્તી બને બુઝાતી.

– મકરંદ દવે
[ જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળીને ]

જે. કૃષ્ણમૂર્તિનો મુખ્ય સંદેશ હતો કે – પારકા અજવાળે પથ નહીં મળે……મળશે માત્ર આત્મવંચના. સત્ય ભાળવું હોય તો Be a light unto yourself. તેઓ તમામ પ્રકારના ધર્મ, ધર્મગુરુ, ધર્મપુસ્તકો, પંથ, સંપ્રદાય, આધ્યાત્મિક ગુરુ, અવતાર etc etc – સર્વ પ્રકારની કહેવાતી માર્ગદર્શક authorities ના પ્રખર વિરોધી હતા. આ વાક્યની ગંભીરતા સમજો – તેઓના કહેવા અનુસાર ભગવદ ગીતા ઈત્યાદીને ફેંકી દો ….. જે તમને પ્રત્યક્ષ સમજાય-અનુભવાય-આત્મસાત થાય તે જ તમારા માટેનું સત્ય. ‘તમારા માટેનું’…….-અર્થાત તે સત્ય અન્યને કોઈ જ ખપનું નહીં. કૃષ્ણનું સત્ય કૃષ્ણને મુબારક, અર્જુનનું અર્જુનને અને ગાંધીજીનું ગાંધીજીને. ગાંધીજીએ અમુક વાતની તરફેણ કરી તેથી જો તમે એમ કરવા પ્રેરાયા છો તો તે નરી મૂર્ખતા…… જ્યાં સુધી જે સ્પષ્ટતા અને નિ:શંકતાથી તમે એ સમજો છો કે શ્વાસ લેવો અનિવાર્ય છે અને શ્વાસ ન લેવાથી મૃત્યુ નિશ્ચિત છે તે જ સ્પષ્ટતા અને નિ:શંકતાથી પ્રત્યેક સત્યાન્વેષીને જે-તે સત્યનો અંતરના ઊંડાણમાંથી સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ કંઠી બાંધીને ફરવું એ સત્યશોધનના માર્ગ આડેની સૌથી પ્રચંડ અડચણ છે.

જે. કૃષ્ણમૂર્તિ એક જ ઝાટકે આપણી વર્ષોની માન્યતાઓ અને કહેવાતી આસ્થાનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. ફરીથી લખું છું- વાતની ગંભીરતા અનુભવો……આંખો બંધ કરીને વિચારો….આપણી core ને challenge છે આ. જયારે આપણે સંપૂર્ણપણે તમામ માન્યતાઓ,રૂઢિઓ,ઉછીના વિચારો, ઠાલાં રિવાજો, ભક્તિ-સમર્પણ ઈત્યાદિના ખ્યાલો વગેરે વગેરેને હ્રદયથી નિર્મૂળ કરી દઈશું ત્યારે તો આપણી યાત્રા માત્ર શરૂ થઇ શકશે !!!! આથી મોટી કોઈ ક્રાંતિ હોઈ ન શકે. આ જ કારણે જે. કૃષ્ણમૂર્તિને સાંભળ્યા-વાંચ્યા અસંખ્યએ પરંતુ તેઓની વાત જીવનમાં ઉતારનાર વેઢે ગણાય એટલા હશે…..તેઓ પોતે જ જીવનની સંધ્યાએ બોલ્યા હતા કે – I am nothing but an entertainer for people who come to listen to me.

જે. કૃષ્ણમૂર્તિનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ કવિના મનોભાવ આ કાવ્યમાં આલેખાયા છે – વાત તો તદ્દન સાચી લાગે છે…….પણ……..વહેવારમાં મુકવી તો……. !!! અંતિમ ચરણમાં કવિ કહે છે કે આ અવાજ પોતે પણ એક મીણબત્તી જ નથી શું ?

4 Comments »

  1. ketan yajnik said,

    April 12, 2015 @ 10:46 AM

    “તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન ”
    આભાર ન માનીએ તો નગુણા ન ગણશો

  2. Harshad said,

    April 12, 2015 @ 11:58 AM

    સત્ય અને સુન્દર !

  3. nehal said,

    April 13, 2015 @ 1:20 AM

    True

  4. ravindra Sankalia said,

    April 14, 2015 @ 1:44 AM

    જે ક્રુશ્નમુર્તિનુ વ્યખ્યાન વાચીનેમકરન્દ દવે એ લખેલુ કાવ્ય સરસ છે બી જા એક કાવ્યની પ્ન્ક્તિ યાદ આવેઃ ” તુ તારા દિલનો દીવો થા”.પણ જે ક્રુસ્શ્ણમુર્તિએ જે કહ્યુ છેતે બધુજ સ્વીકારવાનુ જરા મુશ્કેલ લાગે. કોઈ એ કહ્યુ એટ્લે આપણે માની લેવુ એ બરાબર નથી પણ તેથી ગીતાને ફેકી દેવાની વાત ન ક્ર્રરાય.ત્મે પોતે ગીતાને આત્મસાત કરી શકો એટ્લે ગીતામા કહેલુ તમારુ જ થાય.. કરિશ્યે વચનમ તવ એમ કહે વાનુજ અર્જુનને મન થાય. મહાત્માજીએ કહ્યુ એટલે તમે અહિન્સામા અસ્તેય શરીર શ્રમમા ન માનો પણ તમારા પોતાનાજ વિચારો જ એવા હોય.ક્રુશ્ણનુ સત્ય ક્રુશ્ણ્ને મુબારક ગાન્ધીનુ ગાન્ધીને મુબારક તો જે. ક્રુશ્ણ્મુર્તિનુ એને મુબારક.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment