ગોરજ ટાણે – મકરંદ દવે
બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
-મકરંદ દવે
ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ
Suresh Shah said,
May 19, 2013 @ 3:33 AM
યાદ આવી જાયઃ
હજી આ કોંકણવર્ણો તડકો છે, સૂરજને ડૂબવા દો, સાંજ તો પડવા દો.
ગમકીલી ગોરજની સંગે અંગેઅંગ રગડવા દો, સાંતજ તો પડવા દો.
ખૂબ સુંદર કાવ્ય.
આબાર.
– સુરેશ શાહ, સિંગાપોર
Maheshchandra Naik said,
May 19, 2013 @ 9:54 AM
સરસ કાવ્ય
pragnaju said,
May 19, 2013 @ 10:05 AM
સુંદર ગીત
harsha vaidya said,
May 19, 2013 @ 12:45 PM
ગોરજ ટાણે ઓથમાં લેજે ઉદાર ! ધન્ય છે આવા કવિને ! વાહ..જીવન સંધ્યા ટાણે હુંફ અને ઓથની જ માત્ર જરૂર હોય છે ને ?
વિવેક said,
May 20, 2013 @ 9:50 AM
સુંદર !