તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

આકાશ તડ તૂટ્યું ! – હર્ષ બ્રહ્મભટ્ટ

દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

પાણિયારે ઊતર્યાં છે પાણીના રેલા
ને કોરીકટ માટલી તો સળગે.
ત્રોફેલા સાથિયાની પાંખો તૂટે ને પછી
બારીઓય ઉંબરને વળગે.
સ્મરણોના જંગલમાં લાગી ગૈ આગ
અને દુનિયા આખીનું પાણી ખૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આંખુ આકાશ તડ તૂટ્યું !

દરિયો પહેરીને રણ આંગણમાં આવ્યું
પણ નદીઓ તો ઘરની પછીતે !
આઠમા તે આભને છાપરેથી છેક આજ
પડતું મૂક્યું છે મારા ગીતે !
કાળમીંઢ પાણીમાં વરસોથી જાળવેલું
અજવાળું કાચ જેમ તૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એક તરફ છલોછલ સંસાધન છે અને બીજી તરફ નકરો અભાવ….કદાચ જેની જરૂર છે તે નથી, એ સિવાય અન્ય બધું જ છે.

 

Comments (3)

વરસે… – હર્ષ બ્રહ્મભટ્ટ

એની આંખોથી જ્યારે પણ આદર વરસે,
એવું લાગે મેઘો કાચા ઘર પર વરસે !

હોય નહીં આવી મીઠી ધારા વાદળની,
આકાશેથી સીધેસીધું ઈશ્વર વરસે !

મૂળ સુધી તો કોઈ રેલો પહોંચે ક્યાંથી?
સગપણનાં ચોમાસાં ઉપર-ઉપર વરસે.

રાતોની રાતો તાકીને મેં જોયો છે,
ઘરની છતથી ઝીણોઝીણો જે ડર વરસે.

કોણ કરે ફરિયાદ તડપની, માફ કરી છે,
તરસાવી તરસાવીને પણ આખર વરસે.

તારા હાથોમાં છત્રી જોઈને અટક્યો છે,
‘હર્ષ’ બિચારો ખુલ્લા મનથી નહિતર વરસે !

– હર્ષ બ્રહ્મભટ્ટ

કેવી મજાની ગઝલ! દરેકે દરેક શેર ધ્યાન માંગી લે એવા થયા છે…

Comments (13)

(શ્લોકો!) – હર્ષ બ્રહ્મભટ્ટ

જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો

આપનાથી થશે ન કૈં બીજું
અમને આગળ જતાં તમે રોકો !

આપ વિદ્વાન છો તો માથા પર
ના મને વાતવાતમાં ટોકો

આપણી થઈ જતી નથી એ કૈં
જેટલી ભીંત પર ખીલી ઠોકો

એની આંખોને જ્યારે પણ જોઉં
તો મને સંભળાય છે શ્લોકો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

જાણીતા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ એમનો નવમો ગઝલસંગ્રહ ‘તું મળે ત્યારે જડું છું’ લઈને ઉપસ્થિત થયા છે. લયસ્તરોના ઉંબરે કવિશ્રીનું અને સંગ્રહનું સહૃદય સ્વાગત છે. સંગ્રહમાંથી એક મજાની રચના માણીએ…

ટૂંકી બહરની હમરદીફ-હમકાફિયા ગઝલ અને એમાંય સાચવવા અઘરા પડે એવા ચુસ્ત કાફિયાઓનો કવિએ કેવો બખૂબી નિર્વાહ કર્યો છે તે જોવા જેવું છે… બધા જ શેર ધ્યાનાર્હ થયા છે.

Comments (6)

કેટલું? – હર્ષ બ્રહ્મભટ્ટ

કર્યું છે જીવનભર સહન કેટલું?
ખબર ક્યાં છે એનું વજન કેટલું?

તમે વર્ષોથી આવી રહ્યા છો સતત.
છે બાકી હજી આગમન કેટલું?

અકડ પાંદડાની જો હદને વટાવે,
પછી માન રાખે પવન કેટલું?

ચલો પાણીને માપી લીધું તમે,
એ વાદળનું પરખાય મન કેટલું?

પછી ચઢ-ઉતર આકરી લાગશે હોં,
તું બાંધીશ ઊંચું સદન કેટલું?

પધાર્યા છો ઝભ્ભો કડક પ્હેરીને,
હવે સ્પર્શવાનું કવન કેટલું?

– હર્ષ બ્રહ્મભટ્ટ

સહજ સંતર્પક રચના…

Comments (8)

આંખોનાં પાણી ખૂટ્યાં છે – હર્ષ બ્રહ્મભટ્ટ

આંખોનાં પાણી ખૂટ્યાં છે,
તોપણ ક્યાં ખેંચાણ છૂટ્યાં છે ?

મૌન રહ્યા તે છતાં આંખમાં,
વાતોના ફણગા ફૂટ્યા છે.

કોઈ ગાંઠની જેમ જ દિવસો
બંધાઈ મનમાં છૂટ્યા છે.

ખરતા તારાની શું કિંમત,
સપના પણ આમ જ તૂટ્યાં છે.

હશે ખજાના ભીતર કેવા,
ગજા મુજબ સૌએ લૂંટ્યા છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

હ્ર્દયસ્પર્શી વાત….

Comments (3)

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ,
કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ.

સાવ ખાલી આંખનું કેવું ગજું,
ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ.

કો’ક જન્મે આપણે પંખી હશું,
લાગણીઓ પાંખ ફફડાવી ગઈ.

જિંદગી આખી ગઝલ લખતો રહ્યો,
વાત જે ચુપકીદી સમજાવી ગઈ.

કેટલા, કેવા ખજાના નીકળ્યા ?
યાદ તાળાં એમ ઉઘડાવી ગઈ.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (2)

………અભરખા નીકળે – હર્ષ બ્રહ્મભટ્ટ

એ જ બસ વર્ષો જૂના દિલના અભરખા નીકળે,
રણ પછી જંગલ પછી તો કૈંક દરિયા નીકળે.

કોઈ નાના સ્ટેશનેથી ટ્રેન ધસમસતી જતી,
રાત આખી એટલું છેટેથી સપનાં નીકળે.

દોસ્તો, આ શ્વાસના નામે ઉચાળા ઓડના,
પોટલું છોડો તો બસ બે-ચાર વગડા નીકળે.

દૂર આકાશે અડોઅડ બારણું એનું પડે,
આપણાં સગપણ હવે કોઈ એવા ઘરનાં નીકળે.

એ ક્ષણ લાગે શ્હેર આખ્ખું ભુલકણું થઈ ગયું,
જે ક્ષણે આ શ્હેરના સંબંધ ખપના નીકળે.

બેઉ બાજુ હરપળે અડકે છે લોલકની અણી,
રાતના ઘડિયાળના આ શ્વાસ પડખા નીકળે.

કોઈ નહીં આવે હું માની આંખ મીંચી દઉં અને,
પોપચે કોઈનાં ભીનાં ભીનાં પગલાં નીકળે.
.

  • હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (4)

(ઠીકઠાક બધું) – હર્ષ બ્રહ્મભટ્ટ

આંખ સામે છે દર્દનાક બધું
તોય કહેવાનું ઠીકઠાક બધું

મેં રહસ્યોની હાટ ખોલી’તી
લઈ ગયા એક-બે ઘરાક બધું

જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું

સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?

દોસ્ત, ના બોલ આંસુની ભાષા
એમને લાગશે મજાક બધું

કોઈ પાસેથી એ મળ્યું જ નહીં
મેં તો માંગ્યું હતું જરાક બધું

-હર્ષ બ્રહ્મભટ્ટ

કેવી સરળ ભાષા અને કેવી અર્થસભર વાત! આખી ગઝલ જ અદભુત!

Comments (3)

પ્હોંચી – હર્ષ બ્રહ્મભટ્ટ

એક અફવા નગર સુધી પ્હોંચી,
કૈંક લાશો કબર સુધી પ્હોંચી.

ફાટી આંખે ઢળી પડી દ્વારે,
જે ખુશી મારા ઘર સુધી પ્હોંચી.

દર ગુમાવ્યાની જાણ ત્યારે થઈ,
જ્યારે કીડી શિખર સુધી પ્હોંચી !

બેખબર થઈ ગઈ ખબર પોતે,
જે ખબર બેખબર સુધી પ્હોંચી !

ક્યાંક ફસડાઈ ગઈ દુઆઓ તો,
બદદુઆઓ અસર સુધી પ્હોંચી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

દરેકે-દરેક શેર પર વાહ-વાહ પોકારવાનું મન થાય એવી ગઝલો પ્રમાણમાં ઓછી જ જોવા મળે છે. એક-એક શેર પાણીદાર અને એક પણ શેર સમજૂતીના મહોતાજ નહીં. ‘ખબર’વાળા શેરમાં કવિએ શબ્દોની રમત કરીને જે અર્થ ઉપસાવ્યો છે એની કદર તો કોઈ બેકદર જ કરવી ચૂકી જાય…

Comments (2)

પૂછે તો ! – હર્ષ બ્રહ્મભટ્ટ

જો એને માણસો જેવું સૂઝે તો !
અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો !

ટકોરાને તરસશે આંગળીઓ,
નજર પડતાં જ દરવાજો ખૂલે તો !

મને છોડી તમે જ્યારે જતા હો,
હૃદય મારું છતાંયે ના તૂટે તો !

તો હું સાચું કહું એને કે ખોટું ?
મને તારા વિશે કોઈ પૂછે તો !

ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !

ઘણીયે વાર પંખીઓને જોઈ,
વિચારે માછલી, દરિયો ઊડે તો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એકદમ સરળ અને સહજ ભાષા. એકપણ શેર ટિપ્પણીનો મહોતાજ નહીં પણ તોય સરવાળે કેટલી મજબૂત અને હૃદયંગમ રચના !

Comments (8)

સતત – હર્ષ બ્રહ્મભટ્ટ

યાદનાં પગલાં સતત,
છેતરે મન હર વખત.

છે નવું આરંભમાં,
અંતમાં એ પૂર્વવત્.

જાઉં ક્યાં ફરિયાદ લઈ ?
છે મને મારી અછત.

શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.

એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.

કોણ આ વચ્ચે ઊભું ?
હું જ સત ને હું અસત.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ટૂંકી બહેરમાં સરસ કામ.

Comments (10)

ઘણાયે ભાર છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?

ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.

ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.

હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?

સરવાળે બધા જ શેર માર્મિક.

Comments (13)

ઢળાયું નહીં – હર્ષ બ્રહ્મભટ્ટ

સળગતા રહ્યા પણ બળાયું નહીં,
કદી જ્યોત સમ ઝળહળાયું નહીં.

રહ્યો માત્ર મનથી જ મતલબ સદા,
કદી દેહમાં ઓગળાયું નહીં.

મળ્યા’તા કદી કોઈ રસ્તે મગર,
પછી કોઈ રસ્તે મળાયું નહીં.

હતું રાહ જોતું ઊભું એક ઘર,
હતું મન છતાંયે વળાયું નહીં.

ન ઊગ્યો, ન મધ્યાહ્ન મારો તપ્યો,
છતાં સાંજ પડતાં ઢળાયું નહીં

– હર્ષ બ્રહ્મભટ્ટ

સાદ્યંત સુંદર રચના… સરળ, સહજ પણ સબળ !

Comments

ચિંતાનો વિષય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

harsh brahmabhatt

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

પહેલાં ગુજરાત સરકારમાં અગત્યના હોદ્દા પર વરસો સેવા આપનાર અને હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અત્યાર સુધીમાં આઠ ગુજરાતી અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે. ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો” સંગ્રહમાંથી આ એક ગઝલ આજે આપ સહુ માટે… પાંચ શેરની આ ગઝલ જાણે પાંચ આંગળીઓ વડે રચાતો એક પંજો છે… એકેય આંગળી કાઢી ન શકાય !!!

 

Comments (4)

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

સૌ સતત બેલગામ દોડે છે,
રામ જાણે શું કામ દોડે છે ?

દોડવું થઈ ગયું વ્યસન એવું,
ઊંઘમાં પણ તમામ દોડે છે.

પીઠ પર સૂર્ય સળગતો મૂકી,
સ્વપ્નનાં સૌ ગુલામ દોડે છે.

થોભશું તો રહી જશું પાછળ,
ગામનાં ગામ આમ દોડે છે.

મૂળમાં એય બળદ ઘાંચીના,
રોજ જે ચારધામ દોડે છે.

લક્ષ્યની કે ખબર દિશાની ક્યાં ?
દોડવું છે દમામ, દોડે છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

સ્વયંસ્પષ્ટ ગઝલ… કયા શેરને હાથમાં લેવો અને ક્યાને પડતો મૂકવો એ નક્કી કરવું દોહ્યલું થઈ પડે.

Comments (7)

રણમાં તરે છે ! – હર્ષ બ્રહ્મભટ્ટ

બિચારું ઘર આ જોઈ થરથરે છે,
દીવાલોને દીવાલો છેતરે છે !

મજા આવે કશું ત્રીજું કરે તો,
ફક્ત લોકો જીવે છે ને મરે છે.

અમુક છે માછલી એવી ગજબની,
જુઓ, આરામથી રણમાં તરે છે !

નવી કોઈ ઋતુ લાગે છે આ તો,
હવે પર્ણો નહીં, વૃક્ષો ખરે છે !

ફરે છે સિંહની છાતી લઈ જે,
ન જાણે કેમ દર્પણથી ડરે છે !

બહુ ઓછા છે જે લોકો લખે છે,
ને મોટા ભાગના લખ-લખ કરે છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

કવિના સ્વમુખે આ ગઝલ સાંભળી હતી. આખો મુશાયરો ડોલી ઉઠ્યો હતો….બીજો શેર ત્રણ થી ચારવાર સૌએ ફરમાઈશ કરી કરી સાંભળ્યો હતો. વાણી સરળ છે પણ ભેદક છે.

Comments (11)

ગભરાઈ જાય – હર્ષ બ્રહ્મભટ્ટ

ભીડ દેખીને સદા હરખાઈ જાય,
જો મળે ખુદને જ તો ગભરાઈ જાય.

વીજળીને ક્યાં હવે તકલીફ દઉં ?
તું મને કારણ વગર વીંટળાઈ જાય.

સ્વર્ગમાં બસ એટલે આવ્યો નહીં,
એને ના કહેવાનું કંઈ કહેવાઈ જાય.

રોજ નીકળે છે મને મળવા અને,
ક્યાંક રસ્તામાં કશે રોકાઈ જાય !

ફૂલ આપે કોઈ દર્પણ ના ધરો,
ક્યાંક એવું ના બને કરમાઈ જાય.

– હર્ષ બ્રહ્મભટ્ટ

મત્લાનો શેર જુઓ – આ હકીકત આપણે રોજિંદા જીવનમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જરૂર વગરનું બોલવું, કારણ વગર મોબાઈલ ચેક કાર્ય કરવો, ફેસબુક પર બેસી રહેવું……આ બધી પોતાની જાત થી ભાગવાની પ્રવૃત્તિઓ નથી તો બીજું શું છે ! ક્યારેક એરપોર્ટ ઉપર દીર્ઘ રોકાણ હોય ત્યારે નવરાશમાં માણસો હું શું કરતા હોય છે તેનો અભ્યાસ રોચક હોય છે !

Comments (2)

સમજાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એ ફણગાય છે.

રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંજિલ હવે અટવાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

શૂન્યતાની આગમાં પીગળી જશે
લાગણીઓ જે ભીતર રૂંધાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

Comments (10)

ગઝલ – હર્ષ બ્રહ્મભટ્ટ

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.

હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.

જેટલા સુંદર, સુઘડ ને સ્વચ્છ બાહર,
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.

હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.

જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.

– હર્ષ બ્રહ્મભટ્ટ

કવિઓને ખાલી રડતાં જ આવડે એવું મહેણું ભાંગવું હોય તો આ ગઝલ સામે ધરવી.

Comments (16)

જળ ખુદ હોડી બને – હર્ષ બ્રહ્મભટ્ટ

હું ચરણ માંડું અને રસ્તો  બને,
એક ટીપું શક્ય છે દરિયો બને.

ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
એક પળ પાકે અને મોતી બને.

ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
વીજળી ઝબકે અને નકશો બને.

એક વાદળ આભમાં દેખ્યા પછી,
ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.

પાણીમાં મેં ડૂબકી મારી અને-
શક્ય છે કે જળ ખુદ હોડી બને !

-હર્ષ બ્રહ્મભટ્ટ

વાદળને આભમાં જોવા ઊંચી થતી ધરતીને લીધે પહાડો રચાવાની કેવી મનહર કલ્પના !

Comments (16)

શૂન્ય ગોરંભાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

એક હોડી આંખમાં દેખાય છે,
હાથ મારા, લો હલેસાં થાય છે.

એક વાદળ દેખીને આકાશમાં,
કૈંક ટહુકા ભીતરે ઘેરાય છે.

આંખમાં કાજળ હવે ટકતું નથી,
હૈયું જાણે આંખથી રેલાય છે.

બારીમાંથી આમ બસ જોયા કરું,
ટેકરી પર ઘાસ વધતું જાય છે.

આભ તો ખૂલી ગયું વર્ષા પછી,
ભીતરે આ શૂન્ય ગોરંભાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

બારી એટલે આપણા ભીતરને બહાર સાથે પ્રત્યાયન કરવા માટેની ખુલ્લી સગવડ. પણ કૈક ઉગાડવું હોય તો નિષ્ક્રિયતા ત્યજીને ભીતરેથી નિસરીને બહાર જવું જ રહ્યું અન્યથા જે ટેકરી પર છમ્મલીલા વૃક્ષો ઊગી શકે છે, ત્યાં ઘાસ સિવાય બીજું કશું નજરે નહીં ચડે.

Comments (8)

થંભી હતી – હર્ષ બ્રહ્મભટ્ટ

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા ?
જિંદગી હમણાં જ મેં રંગી હતી !

એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્હાડ શી જંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી !

– હર્ષ બ્રહ્મભટ્ટ

તડકા અને છાંયડાની માફક જીવન વેદના અને હર્ષ- બંને રંગોથી સમાનભાવે રંગાયેલું હોવા છતાં કળાના લગભગ તમામ પ્રકારને વેદનાનો ગાઢો રંગ જ હંમેશા વધુ માફક આવ્યો છે. દર્દને ખોતરતા રહેવામાં જ કદાચ આપણને સહુને વધુ આનંદ આવે છે, એ કારણ હશે ? જીવનને ગમે તે રંગે રંગો, દર્દના ડાઘા પડતા જ રહેવાના. વેદના જ કદાચ આપણી સાચી જીવનસંગિની છે… આપણે સહુ અંદરથી વાંસ જેવા પોલા થઈ ગયા છીએ પણ સૂર જન્માવવા માટે માત્ર પોલાપણું કામ નથી આવતું, ભીતર છેદ પણ હોવા જોઈએ તો જ પસાર થતી હવા સંગીત જન્માવી શકે… એક શેર સાથે મૂકવાનું મન થાય છે: સૂર ના જન્મે હવા પોલાણમાંથી ગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

‘લયસ્તરો’ને એમના ગુજરાતી કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’, ‘અંદર દીવાદાંડી’, ‘મૌનની મહેફિલ’ તથા ઉર્દૂ ગઝલસંગ્રહો ‘કંદીલ’, ‘સરગોશી’ અને ઑડિયો સીડી ‘લે, ગઝલ પ્રગટાવ તું’ (કાવ્યપઠન) ભેટ આપવા બદલ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટનો આભાર.

Comments (12)

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…

Comments (23)

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

આજે માણો હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

Comments (6)