આકાશ તડ તૂટ્યું ! – હર્ષ બ્રહ્મભટ્ટ
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !
પાણિયારે ઊતર્યાં છે પાણીના રેલા
ને કોરીકટ માટલી તો સળગે.
ત્રોફેલા સાથિયાની પાંખો તૂટે ને પછી
બારીઓય ઉંબરને વળગે.
સ્મરણોના જંગલમાં લાગી ગૈ આગ
અને દુનિયા આખીનું પાણી ખૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આંખુ આકાશ તડ તૂટ્યું !
દરિયો પહેરીને રણ આંગણમાં આવ્યું
પણ નદીઓ તો ઘરની પછીતે !
આઠમા તે આભને છાપરેથી છેક આજ
પડતું મૂક્યું છે મારા ગીતે !
કાળમીંઢ પાણીમાં વરસોથી જાળવેલું
અજવાળું કાચ જેમ તૂટ્યું !
દરિયાના કાળજામાં પડતી તિરાડ જોઈ,
આખું આકાશ તડ તૂટ્યું !
– હર્ષ બ્રહ્મભટ્ટ
એક તરફ છલોછલ સંસાધન છે અને બીજી તરફ નકરો અભાવ….કદાચ જેની જરૂર છે તે નથી, એ સિવાય અન્ય બધું જ છે.
saryu parikh said,
November 2, 2021 @ 9:16 AM
ઓહ! કાળજાની કોરમાં ચીરો પડે તેવું ગીત.
સરયૂ
pragnajuvyas said,
November 2, 2021 @ 10:57 AM
હ્રદયને રડાવી દે તેવું ગીત
વિવેક મનહર ટેલર said,
November 3, 2021 @ 1:52 AM
સુંદર મજાનું ગીત…..